સીરિયામાં હિંસાની આગ… ચોરી-લૂંટફાટ વચ્ચે ભારતે 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા
Syria: સીરિયામાં સત્તા હવે બળવાખોર જૂથો દ્વારા નિયંત્રિત છે. બળવાખોરોના કબજામાં હોવા છતાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થઈ રહ્યા છે. હુમલાઓ થઈ રહ્યા છે. સરકારી ઈમારતો સળગાવવામાં આવી રહી છે. લૂંટફાટ ચાલી રહી છે. આ દરમિયાન ભારતે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી આ ઓપરેશનનું સંકલન દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ‘ભારત સરકારે આજે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે.’ વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, તમામ લોકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને તેઓ ઉપલબ્ધ વ્યાપારી ફ્લાઇટ્સ ભારત પરત ફરશે.
આ પણ વાંચો: દિલ્હીમાં ફૂંકાયા ઠંડા પવન, રાજસ્થાન અને કાશ્મીરમાં ઠંડીથી ઠૂંઠવાયા
બહાર કાઢવામાં આવેલા લોકો કોણ છે?
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ-કાશ્મીરના 44 તીર્થયાત્રીઓનો સમાવેશ થાય છે. જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે, વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખશે.