September 27, 2024

સુરતમાં મેમો ન ભરનારાને હવે છોડશે નહીં ટ્રાફિક પોલીસ, લાયસન્સ સસ્પેન્ડ કરવા રિપોર્ટ

અમિત રુપાપરા, સુરતઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલનને લઈને હવે આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસની આ આકરી કામગીરીના કારણે અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે. છેલ્લા ઘણા મહિનાથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે જે લોકોએ 5 કરતાં વધારે વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકોનો એક ડેટાબેઝ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 50થી 100 વાર પોલીસે મેમો ફટકારીયા બાદ પણ જે વાહનચાલકો સુધારવાનું નામ નથી લેતા એવા 12,600 કરતાં વધારે વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને એક રિપોર્ટ કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવે છે. જેથી કરીને વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે. ત્યારે નો પાર્કિંગ, ઓવરસ્પીડ, રોંગ સાઈડ તેમજ મોબાઇલ પર વાતો કરવા સહિતના ગુનામાં નિયમ ભંગ કરતા વાહનચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણથી દંડ કરવામાં આવે છે. વારંવાર વાહનચાલકોના ઘરે ઈ ચલણ મોકલવામાં આવતું હોવા છતાં પણ કેટલાક વાહનચાલકો ટ્રાફિક પોલીસને ગણકારતા નથી. ત્યારે 50 કરતાં વધારે તેમજ 100 કરતાં વધારે ઈ-ચલણ જે વાહનચાલકોના આવ્યા છે, તેવા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને કર્યો છે. 12,613 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. તેમાંથી મળતી માહિતી અનુસાર 5 કરતાં વધારે વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તેમજ ઈ-ચલણ મેળવનારા લોકોની સંખ્યા 15000થી પણ વધારે છે. સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં 583 વાહનના લાયસન્સ પૈકી 60થી વધુ લાયસન્સ 7 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આમાંથી મોટાભાગના વાહનચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હિટ એન્ડ રનની ઘટનામાં વાહનચાલકોના લાયસન્સ 180 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 80 જેટલી ટીમો બનાવીને લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા છે. રિજિયન સર્કલ તેમજ સેમી સર્કલ તરફથી જે વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે તે બાબતે અગાઉ પણ ડ્રાઇવ યોજવામાં આવી હતી. અગાઉ 607 વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ પણ કર્યો હતો.