September 29, 2024

જામનગરમાંથી 1 કિલોથી વધુ ગાંજો જપ્ત; એકની અટકાયત, એક ફરાર

સંજય વાઘેલા, જામનગરઃ પોલીસે વધુ એક વખત શહેરમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો બનાસકાંઠાથી જામનગરમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પરિણામે હાલ 1.429 કિલોગ્રામ નશીલો પદાર્થ ગાંજો કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, એસઓજી પોલીસે આ મામલે એક શખ્સની અટકાયત કરી છે. જયારે અન્ય એક શખ્સને ફરાર જાહેર કર્યો છે.જામનગરની એસઓજી શાખાને બાતમી મળી હતી કે, જામનગરમાં પવનચક્કી નજીક હિંગળાજ ચોક મીલવાળી ગલીમાં રહેતો જગદીશ મોહનભાઈ પરમાર તેમજ પવનસિંહ નામના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ગામના શખ્સ દ્વારા ગાંજાનો જથ્થો જામનગરમાં ઘુસાડવામા આવ્યો છે.

આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે દરોડો પાડી એસઓજીની ટુકડીએ જગદીશને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 1.429 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વતનીએ સપ્લાય કર્યો હોવાનું કબૂલતા તેને ફરાર જાહેકર્યો છે. હાલ તેની શોધખોળ ચાલુ છે.