December 8, 2024

સામાન્ય બોલચાલીમાં કરપીણ હત્યા, કાપોદ્રા પોલીસે કરી હત્યારાની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રીસ્ટેજ પાસે એક વ્યક્તિની 16 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં પથ્થરના ઘા ઝીંકીને કૃરતા પૂર્વક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીની સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે. મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈને બોલાચેલી થયા બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

16 સપ્ટેમ્બર 2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રીસ્ટેજ પાસે વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચેથી યુવકની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ અરવિંદ રાઠોડ છે અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પથ્થર વડે અરવિંદને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનું ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ આ બાબતે તપાસ કરી રહી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચ અને ટીમને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં થયેલ વ્યક્તિની હતી અને ઘટનામાં આરોપી રેલવે સ્ટેશન આસપાસ ફરી રહ્યો છે. તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંતો માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લંબે હનુમાન મંદિર પાસે ફૂટપાથ પર રહેતો હતો.

આ પણ વાંચો: મોબાઈલ ચોરનું દેવું વધી જતાં ચોરી પોલીસની પિસ્તોલની ચોરી, ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ

આરોપી અનંતોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, 16 સપ્ટેમ્બરના મોડી રાત્રે મૃતક અરવિંદ સાથે અપશબ્દો બોલવા બાબતે બંનેને ઝઘડો થયો હતો. આરોપીએ મૃતકને અપશબ્દ બોલવાનીના પાડતા મૃતક અરવિંદ રાઠોડે બેલ્ટ વડે આરોપીને માર માર્યો હતો. તેથી આરોપી અનંતો ઉશ્કેરાઈ ગયો હતો અને તેને રસ્તા પર પડેલા પથ્થર વડે મૃતક અરવિંદ રાઠોડને માથા તેમજ મોઢાના ભાગે પથ્થરથી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ગંભીર ઇજાના કારણે અરવિંદ રાઠોડનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઇ વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી અનંતોને કાપોદ્રા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યુ છે કે, આરોપી અને મૃતક બંને છૂટક મજૂરી કામ કરતા હતા અને ફૂટપાથ પર રહેતા હતા.