સુરત મનપા કમિશનરની ઓફિસ બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન

અમિત રૂપાપરા, સુરત: સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા મનપા કમિશનરની ઓફિસ બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન આપના નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મનપા કમિશનર લોકોની બદલે ભાજપના નેતાઓનું જ કામ કરે છે. આમ આદમી પાર્ટી દ્વારા પૂછવામાં આવેલા એક પણ લોકહીતના સવાલનો જવાબ સુરતના કમિશનર આપી રહ્યા નથી તેવું ભૂલી ગયા છે કે તેઓ સુરતના રાજા નહીં પરંતુ સુરતના લોકોના નોકર છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વિપક્ષના નેતા કે, પછી વિપક્ષના કોર્પોરેટરોને પૂછવામાં આવેલા લોકહિતના પ્રશ્નોના જવાબ કે પછી પત્રોના જવાબો ન આપવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધ પ્રદર્શન પહેલા સુરત મહાનગરપાલિકાની ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ વિપક્ષના કોર્પોરેટરો દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. અધિકારી ભાજપ ભાઈ ભાઈના પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. તો આ વિરોધ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા વિપક્ષના કોર્પોરેટર અને વિપક્ષ નેતા પાયલ સાકરીયાની અટકાયત કરી હતી દરમિયાન કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા અને તે દરમિયાન પોલીસે ટીંગાટોળી કરીને વિપક્ષના સભ્યોને પાલિકા કચેરીમાંથી પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી.
વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના કમિશનર ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના નોકર છે. કારણ કે તેઓ હાલ જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે તે પ્રકારના વર્તન જેવું લાગી રહ્યું છે. તેઓ સુરતના રાજા છે. લોકહીત બાબતના પ્રશ્નો સુરત મહાનગરપાલિકાના કમિશનરને પૂછવામાં આવે છે, આ ઉપરાંત કેટલાક પત્રો લખીને પણ લોકહિત બાબતે તેમને જણાવવામાં આવી રહ્યું છે પરંતુ એક પણ પ્રશ્નનો જવાબ સુરત મહાનગરપાલિકાના કમિશનર આપી રહ્યા નથી. જાણે તેમને ભાજપના જ નેતાઓના કામ કરવામાં રસ હોય તે પ્રકારનું વર્તન તેમનું દેખાઈ રહ્યું છે. પાયલ સાકરીયા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ભાજપના રાજમાં કરોડો રૂપિયાના કૌભાંડો થઈ રહ્યા છે પરંતુ પ્રજાહિતના પ્રશ્નોના જવાબ પાલિકા કમિશનર આપી રહ્યા નથી.