વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડુંઃ કેતન ઇનામદાર
વડોદરાઃ વડોદરા લોકસભા ક્ષેત્રના સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારે આખરે રાજીનામુ પરત ખેંચ્યું છે. ભાજપના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બંધ બારણે બેઠક યોજ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાતે તેમણે વિધાનસભા અધ્યક્ષને રાજીનામાનો મેઇલ કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારથી વડોદરા ભાજપમાં ભડકો થયો હતો. આખરે 14 કલાકની મેરેથોન બાદ તેમણે રાજીનામુ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. કેતન ઇનામદાર સાથે ન્યૂઝ કેપિટલે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, આગામી 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી તેઓ નહીં લડે.
આગાઉ પણ રાજીનામુ આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું હતું. ચાર વર્ષ પહેલાં પણ જનતાના હિતના કાર્યો ન થતા હોવાથી રાજીનામુ આપ્યું હતું. તેમની સરકારમાં જ તેમના કામ ન થતા હોવાના આક્ષેપથી રાજીનામું આપ્યું હતું. બાદમાં સમજાવટ અને કામ કામો થવાની બાંહેધરી બાદ રાજીનામુ પરત ખેંચ્યું હતું.
કોણ છે કેતન ઇનામદાર?
કેતન ઇમાનદાર તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વડોદરા ડેરી વિરુદ્ધ મોરચાને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ટિકિટ આપી નહોતી અને તેમાં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. કેતન ઇમાનદાર અત્યાર સુધીમાં 3 વખત રાજીનામુ આપી ચૂક્યા છે. 2020, 2022, 2024માં ઈનામદારે MLA પદ પરથી રાજીનામુ આપ્યું હતું. 2017 અને 2022માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2010માં ધનતેજ જિલ્લા પંચાયત બેઠકમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.
કેમ રાજીનામુ આપ્યું હતું?
કેતન ઇનામદારે રાજીનામાના પત્રમાં લખ્યુ છે કે, તેમના મતવિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે અને ઉદાસીનતાના કારણે સરકારના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. આ ઉપરાંત તેમના હોદ્દાની પણ અવગણના કરવામાં આવે છે. મારી અવગણના એટલે મારા મતક્ષેત્રના પ્રજાજનોની અવગણના. તેથી ભારે હૃદયે, નાછુટકે રાજીનામુ આપું છું.