હાઇપ્રોફાઇલ છોકરીઓને ફસાવતા વિધર્મીની ધરપકડ, 15થી વધુ યુવતીઓ સાથે લવ જેહાદ
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાંથી એક હવસખોર રોમિયો ઝડપાયો છે. જેને અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. હિંદુ નામથી નકલી આર્મી મેજર બનીને એક મુસ્લિમ યુવકે મેટ્રોમોનિયલ સાઇટ અને અલગ અલગ ડેટિંગ એપ મારફતે યુવતીઓને ટાર્ગેટ કરતો હતો. દેશના જુદા જુદા રાજ્યોમાં યુવતીઓને પ્રેમરસમાં ભોળવી અને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદમાં રેલવે પોલીસે ચોરી કેસમાં આરોપીની ધરપકડ કર્યા બાદ લવ જેહાદનો પર્દાફાશ થયો હતો.
રેલવે પોલીસે આરોપી મોહમ્મદ શહેબાઝ ખાનની ટ્રેનમાં ચોરી કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીની પૂછપરછમાં લવ જેહાદને લઈને ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ નકલી આર્મી મેજરે મુંબઈ, અમદાવાદ, બહુચરાજી, યુપી સહિતની અનેક હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરી છે. યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું છે. આ હવસખોર રોમિયોની વાત કરીએ તો થોડા દિવસ પહેલાં વંદે ભારત ટ્રેનમાં એક બેગની ચોરીને લઈને ગુનો નોંધાયો હતો. આ ચોરી કેસની તપાસમાં ચોરી કરનાર આરોપી હર્ષિત ચૌધરી નામથી સામે આવ્યો હતો અને પોતાની ઓળખ આર્મીમાં મેજર હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં આરોપી પર શંકા જતા ઉલટતપાસમાં હર્ષિત તેનું ખોટું નામ ખુલ્યું હતું અને તે મોહમ્મદ શહેબાઝ ખાન હોવાનું સામે આવ્યું હતું.
તે યુપીના અલીગઢના જમાલપુરનો રહેવાસી છે. આ હવસખોર આરોપી શહેબાઝે હવસ સંતોષવા માટે જુદી જુદી યુવતીઓને પ્રેમજાળ ફસાવવાનું કાવતરું રચ્યું હતું. મેટ્રો મોનિયલ સાઈટ અને ડેટિંગ એપમાં હર્ષિત ચૌધરીની ખોટી ઓળખ આપીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ એપ મારફતે હાઇપ્રોફાઈલ યુવતીઓને સંપર્ક કરતો હતો. ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં, એકસાથે 15 યુવતીઓ સાથે ડેટિંગ કરી અને ફ્લાઇટ મારફતે તેમને મળવા જતો હતો. આરોપી યુવતીઓને ઇમ્પ્રેસ કરવા કિંમતી ગિફ્ટ આપતો હતો અને યુવતીઓ સાથે ગિફ્ટ પણ મેળવતો હતો. પોલીસ તપાસમાં તેના બેન્ક એકાઉન્ટમાં 50 લાખથી વધુનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
પકડાયેલો આરોપી મોહમ્મદ શહેબાઝ પરિણીત છે અને બે બાળકો છે. વર્ષ 2015માં આર્મીમાં ભરતી થયો હતો. 9 વર્ષ આર્મીમાં ફરજ બજાવી હતી અને જુલાઈ 2024માં સસ્પેન્ડ કર્યો હતો. આર્મીમાં ફરજ દરમિયાન પણ સોશિયલ મીડિયા મારફતે આરોપી શહેબાઝ અનેક યુવતીઓ સાથે ચેટિંગ કરીને તેમને ફસાવતો હતો. આરોપીની વિકૃત માનસિકતા આર્મીના અધિકારીના ધ્યાને આવતા તેને આર્મીની જેલમાં ત્રણ દિવસ બંધ રાખવાની સજા પણ મળી હતી. પરંતુ તેમ છતાં આર્મીના નિયમોનું ભંગ કરતો રહ્યો જેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
આ મુસ્લિમ યુવકે યુવતીઓને લવ જેહાદમાં ફસાવવા અને તેમનું આર્થિક – શારીરિક શોષણ કરવા માટે નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જેમાં હર્ષિત ચૌધરીના નામનું બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ અને અલીગઢની પંજાબ નેશનલ બેંકમાં સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. આ મામલે રેલવે પોલીસે બનાવટી ડોક્યુમેન્ટનો અલગથી ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, આરોપી શહેબાઝનો નાનો ભાઈ એરફોર્સમાં ફરજ બજાવે છે અને તેના પિતા આર્મીમાં સુબેદાર તરીકે નિવૃત્ત થયા છે અને હાલ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરી રહ્યા છે. ત્યારે આરોપી શહેબાઝ ખાનની કરતૂતથી પરિવાર અજાણ હોવાનું ખુલ્યું છે. યુપીના અલીગઢમાં આરોપી શહેબાઝ ખાન વિરુદ્ધ હિંદુ તરીકેની ઓળખ આપી બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.
ચોરી કેસની તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ પર અનેક યુવતીઓના મળવા માટેના ફોન મેસેજ આવી રહ્યા હતા. આ ફોનની તપાસ કરતા તેણે એક બે નહીં પણ 15થી વધુ યુવતીઓને ફસાવીને રાખી હતી. આ આરોપીએ સુઆયોજિત ષડયંત્ર રચીને અલગ અલગ રાજ્યોની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાંથી એક યુવતી તેના પ્રેમમાં ગળાડૂબ હતી. તેણે રૂપિયા 10 લાખ આપ્યા હતા. જ્યારે અન્ય યુવતીઓ કિંમતી ગિફ્ટ સોગાદ દ્વારા તેને પ્રેમ વ્યક્ત કરતી હતી. આરોપી શહેબાઝ એટલો શાતિર છે કે તેણે યુવતીઓને ફસાવવા પીએચડી કરી દીધી છે. અભ્યાસમાં 10 પાસ એવા હવસખોર રોમિયોની ચાલમાં હાઈ પ્રોફાઈલ શિક્ષિત યુવતીઓ ફસાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બહુચરાજીમાં એક મોટી કંપનીમાં ઊંચા હોદ્દામાં રહેલી યુવતી પણ આરોપી શાહેબાઝનો શિકાર બની છે. આરોપી પીડિત યુવતીના પરિવારને જાળમાં ફસાવવા એક ધર્મની બહેન સાથે વાતચીત કરાવીને આત્મીયતા કેળવતો હતો. જેથી યુવતીનો પરિવાર તેના ઉપર વિશ્વાસ કરી બેસતો હતો. ઘણી વખત આરોપી શહેબાઝ યુવતીના ઘરે લગ્નનું પ્રપોઝલ આપવા પણ જતો હતો. આમ કરી યુવતીને વિશ્વાસમાં લઈ શારીરિક સંબંધ બાંધતો હતો.
રેલવે પોલીસે નકલી આર્મી મેજર બનેલા આરોપી શહેબાઝને ચોરી, નકલી દસ્તાવેજ અને લવ જેહાદ મામલે પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત સેન્ટ્રલ આઇબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી હર્ષિત ચૌધરી નામનું આધારકાર્ડ-પાનકાર્ડ અને આર્મી મેજરનું ખોટું બનાવટી કાર્ડ ક્યાં અને કઈ જગ્યાએ બનાવ્યું હતું. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ બનાવટી ડોક્યુમેન્ટના આધારે ક્યાં ક્યાં ટ્રાવેલ કર્યું છે અને શું ઉપયોગ કર્યો છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી દ્વારા લવ જેહાદની ભોગ બનેલી યુવતીને રેલવે પોલીસ ફરિયાદ કરવા અપીલ કરી છે.