September 8, 2024

માલપુરના રામપુરમાં પોલીસ પર હુમલો, 28 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ

સંકેત પટેલ, મોડાસા: માલપુરના રામપુર ગામે મહિલાના મોત મામલે પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જ્યાં ગામ લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેમજ એક PIને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે 28 લોકો સામે નામજોગ સહિત 300 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રામપુર ગામે ગત 2 સપ્ટેમ્બરના રોજ મનીષા તરાર નામની યુવતીનું મોત થયું હતું. મનીષાના સસરા રણછોડ તારાર દ્વારા માલપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જ્યાં, પોલીસ રામપુર ગામે મૃતદેહનું પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર સીએચસી ખાતે ખસેડવા માટે આવી હતી. ત્યારબાદ, બીજા દિવસે એટલે કે 3 સપ્ટેબરના રોજ બપોરે 1 વાગે નાથાવાસના પિયરીયાઓ દ્વારા યુવતીના મોત બાબતે હત્યાની શંકા કરી લાકડીઓ અને લોખંડની પાઇપો દ્વારા મનીષાના સાસરિયામાં એટલે કે રામપુરમાં પહોંચ્યા હતા અને ધમાલ મચાવી હતી.

સમગ્ર બાબતે માલપુર પોલીસને જાણ કરતા પોલીસે જિલ્લા પોલીસ વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવીને રામપુર બંદોબસ્ત માટે પહોંચ્યા હતા. જ્યાં, વાતાવરણ તંગ જણાયું હતું. નાથાવાસ ગામના લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, પિયરીયાઓ વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસને મારી નાખવાના ઇરાદે પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. તેમજ પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ પથ્થરમારામાં બે PI અને બે PSI સહિત અને 9 પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જેમાં એક PIને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી.

ત્યારે, પોલિસે કાયદો હાથમાં ન લેવા માટે વિનંતી પણ કરી હતી છતાં તોફાન ઉગ્ર બનતા બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. જે લોકો તોફાન કરતા હતા તેમના 8 આરોપીઓને રાઉન્ડઅપ કરીને ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરીને 28 લોકો સામે નામજોગ અને અન્ય 300 લોકોના ટોળાં સામે પોલીસને મારી નાખવાનો પ્રયાસ, પોલીસ વાહનમાં તોડફોડ, મકાનમાં તોડફોડ કરી સળગાવવું અને રોકડની ચોરી બાબતની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર ગામમાં અરવલ્લી તેમજ સાબરકાંઠાની પોલીસનો સજ્જડ બંદબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.