November 24, 2024

હિમાચલમાં કોંગ્રેસ સરકાર સંકટમાં? છ MLA સંપર્ક વિહોણા

Himachal Pradesh Politics: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં છે. માહિતી અનુસાર પાર્ટીના છ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં નથી. કોંગ્રેસના આ છ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. ટોચના સૂત્રએ જણાવ્યું કે રાજ્યસભા ચૂંટણીના મતદાન બાદ કોંગ્રેસના ધારાસભ્યોની એક અનૌપચારિક બેઠક યોજાઈ હતી, જેમાં માત્ર 34 ધારાસભ્યોએ જ ભાગ લીધો હતો. જોકે રાજ્યમાં કોંગ્રેસના કુલ 40 ધારાસભ્યો છે. માહિતી અનુસાર આ છ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ સાથે વધુ ત્રણ અપક્ષ ધારાસભ્યો સહિત કુલ નવ મત ભાજપને ગયા છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો આંકડો 34-34 સમાન જણાય છે.

પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ચૈતન્ય શર્મા પણ પાર્ટીની સંપર્કથી બહાર ગયેલા ધારાસભ્યોમાં સામેલ છે. આ સાથે જ તેમાં સુધીર શર્માનું નામ પણ સામેલ છે, જેઓ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે સુધીર શર્માને સુખુ સરકારમાં જે સ્થાન જોઈતું હતું તે મળ્યું નહોતું .

હિમાચલમાં બહુમતનું ગણિત શું છે?
હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે. જેમાં બહુમત માટે 35 આંકડા થઈ જાય છે. આવી સ્થિતિમાં 34ના આંકડા મુજબ રાજ્યની કોંગ્રેસ સરકાર પાસે બહુમતી નથી. જો કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે આ છ ધારાસભ્યોની સદસ્યતા રદ કરે છે, તો આ સંખ્યા 68થી ઘટી જશે અને ત્યારબાદ કોંગ્રેસ પાસે બહુમતી હશે. કોંગ્રેસના ટોચના સૂત્રોનું માનીએ તો આ છ ધારાસભ્યો પાર્ટીથી નારાજ નથી પરંતુ તેમનો ગુસ્સો સીએમ સુખુ સાથે છે. નોંધનીય છે કે કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે હર્ષ મહાજનને ટિકિટ આપી હતી. હર્ષ મહાજન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.