March 26, 2025

પ્રિન્સ કરીમ આગા ખાન (ચોથા)નું અવસાન, PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ઇસ્માઇલી સમાજના 49મા આધ્યાત્મિક ગુરૂ અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના સ્થાપક અને ચેરમેન તેમજ વૈશ્વિક સ્તરે માનવતાવાદી કાર્યો માટે જાણીતા હિઝ હાઇનેસ પ્રિન્સ કરીમ આગા ખાન (ચોથા) 4 ફેબ્રુઆરી 2025ના રોજ 88 વર્ષની ઉમરે લિસ્બન, પોર્ટુગલ ખાતે નિધન પામ્યા છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર હિઝ હાઇનેસે આર્થિક વિકાસ અને સામાજિક પરિવર્તન માટે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) દ્વારા અનેક નોંધપાત્ર પહેલ કરી. આ સંસ્થા દ્વારા ટકાઉ કૃષિ, જળ વ્યવસ્થાપન, આરોગ્ય, સ્વચ્છતા અભિયાન, આબોહવા પરિવર્તન ગ્રામીણ આજીવિકા જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, ભારત (AKRSP,I) 280થી વધુ ગામડાંઓમાં કાર્યરત છે, જેણે 90 લાખથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. વિશેષરૂપે મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ તાલીમ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરવામાં આવી રહી છે.

2015માં ભારત સરકારે તેઓને સામાજિક યોગદાન માટે ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કર્યા, જે તેમની સેવાઓની મહાનતા દર્શાવે છે. ભારતના ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં તેમનું યોગદાન અતુલનીય રહ્યું છે. 2013માં આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચર (AKTC) દ્વારા દિલ્હીના હુમાયુંના મકબરાનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું, જેને UNESCO દ્વારા માન્યતા મળી.

શૈક્ષણિક ક્ષેત્રે 2013માં હૈદરાબાદમાં સ્થાપિત આગા ખાન એકેડેમી આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષણ સુવિધા પૂરી પાડે છે. આર્કીટેકચર ક્ષેત્રે 1992માં અમદાવાદની એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (EDI)ને આગા ખાન એવાર્ડ ફોર આર્કિટેક્ચર દ્વારા સન્માનિત કરવામાં આવી, જે ભારતીય આર્કિટેક્ચરને મળેલું મહત્વનું સન્માન છે.

તેમની દૂરંદેશી અને માનવતાવાદી અભિગમે વિશ્વભરમાં લાખો લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. તેમની વિદાય સાથે એક યુગની સમાપ્તિ થઈ છે, પરંતુ તેમનો વારસો અને દ્રષ્ટિ આવનારી પેઢીઓ માટે પથદર્શક બની રહેશે.