બાલાકોટ એરસ્ટ્રાઈક પર મોદી: ‘પાછળથી હુમલો નથી કરતા, પહેલા જ પાકિસ્તાનને કહ્યું હતું’
કર્ણાટક: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની બાગલકોટ ચૂંટણી રેલીમાં 2019ના બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોદી પાછળથી હુમલો કરતા નથી. એટલા માટે જ એરસ્ટ્રાઈક પછી મેં સૌથી પહેલા પાકિસ્તાની અધિકારીઓને ફોન કરીને કહ્યું કે તમારા ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પછી વિશ્વને તેના પગલા વિશે જાણ કરી. મેં સંરક્ષણ દળોને કહ્યું હતું કે જ્યાં સુધી હું પાકિસ્તાન સાથે વાત ન કરી શકું ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ અટકાવી દે.
સોમવારે કર્ણાટકના બાગલકોટમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે પુલવામા હુમલાના જવાબમાં અમે પાકિસ્તાનના બાલાકોટમાં તેમના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહી બાદ જ્યારે સેના મીડિયાને ફોન કરીને એર સ્ટ્રાઈક વિશે જાણકારી આપવા જઈ રહી હતી ત્યારે મેં કહ્યું કે તે પહેલા હું પાકિસ્તાની અધિકારીઓને ફોન પર સ્ટ્રાઈક વિશે જણાવીશ. પરંતુ પહેલા તો તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “જ્યારે તેમણે ફોન ન ઉપાડ્યો, ત્યારે મેં સેનાને રાહ જોવાનું કહ્યું. પાકિસ્તાની અધિકારીઓને જાણ કર્યા પછી અમે રાતે થયેલા આ હવાઈ હુમલા વિશે દુનિયાને જણાવ્યું. મોદી વસ્તુઓ છુપાવવામાં માનતા નથી અને ન તો પાછળથી હુમલો કરવામા માને છે, અમે ખુલ્લેઆમ લડીશું.”
નોંધનીય છે કે 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા તે જ વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય અર્ધલશ્કરી દળો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ સંરક્ષણ દળોના વાહન પાસે ગનપાઉડર અને વિસ્ફોટકોથી ભરેલા વાહનને વિસ્ફોટ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાગલકોટની ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ માટે દેશમાં ધર્મ આધારિત આરક્ષણની યોજના કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં આવું થવા દેશે નહીં. તેમણે કહ્યું, “કર્ણાટકમાં કોંગ્રેસે બંધારણ બદલવા અને એસસી/એસટી અને ઓબીસીના અધિકારો છીનવવાનું અભિયાન શરૂ કર્યું છે. આપણું બંધારણ ધર્મ આધારિત આરક્ષણને સ્વીકારતું નથી. પરંતુ કર્ણાટક સરકારે મુસ્લિમોને ઓબીસી અનામતનો એક ભાગ આપી દીધો છે.
તેમણે કહ્યું, “તેઓ (કોંગ્રેસ) આનાથી સંતુષ્ટ નહીં થાય. અગાઉ પણ તેમણે પોતાના ઢંઢેરામાં ધર્મ આધારિત આરક્ષણ આપવા માટે કાયદો લાવવાની વાત કરી હતી. આ વખતે પણ તેમના મેનિફેસ્ટોમાં આવો જ સંકેત છે. મોદીએ કહ્યું કે તેઓ તેમના દલિત, SC/ST અને OBC ભાઈ-બહેનોને કોંગ્રેસના ઈરાદાઓ વિશે જણાવવા માંગે છે. ધર્મના આધારે પોતાની વોટબેંકને બચાવવા માટે આ લોકો તમને બાબા સાહેબ આંબેડકર અને બંધારણે આપેલા અધિકારો છીનવી લેવાની યોજના બનાવી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા, બાગલકોટ ભાજપના ઉમેદવાર પીસી ગદ્દીગૌદર અને બીજાપુર (બીજાપુર)ના સાંસદ રમેશ જીગાજીનાગી પણ રેલીમાં હાજર હતા.