September 8, 2024
બ્રાહ્મણ જીન્સનો વિવાદ શું છે?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

Expert Opinion : સોશિયલ મીડિયા અત્યારે એક રીતે અખાડો બની ગયું છે. જ્યાં બે જૂથો સામસામે આવી ગયાં છે. શબ્દોના સ્વરૂપમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ફાઇટના મૂળમાં એક પોસ્ટ છે. જેણે સોશિયલ મીડિયા યૂઝર્સને બે ભાગમાં વહેંચી દીધા છે. આખરે આ પોસ્ટ કોણે કરી હતી અને શા માટે આ લડાઈ ચાલી રહી છે.

આપણા દેશમાં રાજનેતાઓએ જાતિઓના નામે ચારેકોર કેરોસીનનો ખૂબ છંટકાવ કર્યો છે. જેના લીધે વખતોવખત આગ લાગતી રહે છે. એક રીતે તેઓ ભારતની જમીનની નીચે જ્વાળામુખી તૈયાર કરી રહ્યા છે. આ જ્વાળામુખીનો લાવા સામાન્ય માણસોને જ ભસ્મ કરી દેશે. આ લાવા જાતિના આધારે કોઈ ભેદભાવ નહીં કરે, એની ઝપેટમાં જે કોઈ પણ આવશે એ ભસ્મ થઈ જશે. એટલે જ તમારે ચેતી જવાની જરૂર છે. જાતિઓના આધારે ભાગલા પાડનારાઓથી સતર્ક થવાની જરૂર છે.

રાજનેતાઓએ તૈયાર કરેલા આ જ્વાળામુખીમાંથી જ થોડીક અગનજ્વાળા બહાર આવી છે. જેના માટે આ ફોટો ટ્રિગર પોઇન્ટ હતો. આ ફોટોમાં મસલ્સ બતાવતી એક યુવતીને તમે જોઈ રહ્યા છો. આ ફોટોગ્રાફની સાથે માત્ર બે શબ્દો લખવામાં આવ્યા હતા. આ બે શબ્દો હતા ‘બ્રાહ્મણ જીન્સ’. કહેવાય છે કે, એક ફોટો હજાર શબ્દોની ગરજ સારે છે. જોકે, આ એક ફોટોગ્રાફ તો હજારો કોમેન્ટ્સનું સુનામી લાવ્યો છે. આ ફોટોગ્રાફમાં જોવા મળતી યુવતીનું નામ અનુરાધા તિવારી છે. તે બેંગ્લોરની એક કંપનીની CEO છે. તેણે 22મી ઓગસ્ટે આ ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. જેની અત્યાર સુધી ચર્ચા ચાલી રહી છે. આ પોસ્ટના કારણે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. કેટલાક લોકોએ અનુરાધાને સપોર્ટ આપ્યો જ્યારે કેટલાકે વાંધો ઉઠાવ્યો છે. આખરે સવાલ એ છે કે, આ પોસ્ટની આટલી બધી ચર્ચા શા માટે ? આ ચર્ચા કરવાનું કારણ આ ફોટોગ્રાફ અને બ્રાહ્મણ જીન્સ શબ્દોનું અર્થઘટન છે. લોકો માનવા લાગ્યા કે, અનુરાધાએ મસલ્સ બતાવી અને બ્રાહ્મણ જીન્સ શબ્દો લખીને એક મેસેજ આપ્યો છે. આ મેસેજ એ છે કે, તે તેના બ્રાહ્મણ જીન્સના કારણે જ પાવરફુલ છે. સોશિયલ મીડિયા પર આ મેસેજના કારણે જ ઉગ્ર ડિબેટ થવા લાગી. અનુરાધાની પોસ્ટને 68 લાખ વ્યૂઝ મળ્યા છે. કેટલાક લોકોએ તેની ફિટનેસની પ્રશંસા કરી છે તો કેટલાકે તેના પર જાતિવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે.

જાતિવાદનું ઝેર કેટલા અંશે છે એનો તમે પુરાવો જુઓ. બે તસવીરોનું આ એક કોલાજ છે. જ્યાં એક તરફ અનુરાધાનો વાઇરલ ફોટોગ્રાફ છે જ્યારે બીજી તરફ મનુસ્મૃતિને બાળી રહેલી યુવતી જોવા મળી રહી છે. મનુસ્મૃતિ વિશે અમારે કોઈ જ ડિબેટ કરવી નથી. અમારો સિમ્પલ સવાલ એ છે કે, શું આ યુવતીએ ખરેખર મનુસ્મૃતિ પુસ્તક વાંચ્યું હશે ખરું ? અમારું માનવું છે કે, તે કદાચ મનુસ્મૃતિ વિશે કેટલાક નેતાઓના વિચારોથી પ્રભાવિત થઈ હશે.

આવાં તો અનેક TWEETS આવવાં લાગ્યાં. અનેક લોકોએ અનુરાધાની વિચારસરણીનો વિરોધ કર્યો. એટલે અનુરાધાએ ફરી TWEET કર્યું હતું. જોકે, આ વખતે માત્ર બે શબ્દોથી કામ નહોતું ચલાવ્યું. તેમણે લાંબુ TWEET કર્યું.

અનુરાધાએ લખ્યું હતું કે, ‘તમે દલિત, મુસ્લિમ કે આદિવાસી ઓળખનો ગર્વ કરો તો બરાબર, પણ બ્રાહ્મણ હોવાનો ગર્વ કરો તો બરાબર નથી. બ્રાહ્મણોને માત્ર તેમના અસ્તિત્વના આધારે દોષિત હોવાની અનુભૂતિ કરાવવા માટે એક આખી સિસ્ટમ છે. આ નેરેટિવને બદલવાની જરૂર છે. બ્રાહ્મણો પોતાની ઓળખને છુપાવો નહીં, પણ એના પર ગર્વ કરો. સામાજિક ન્યાયના કહેવાતા યૌદ્ધાઓને ઇર્ષ્યાની લાગણીથી સળગી જવા દો.’

આ TWEETને લગભગ છ લાખ વ્યૂઝ મળ્યા છે.
અનુરાધાએ બ્રાહ્મણ જીન્સની ચર્ચાને આગળ વધારી. લેખક ચેતન ભગત પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા. તેમણે એક TWEET કરીને ચર્ચાને નવો વળાંક આપવાની કોશિશ કરી હતી.

ચેતને TWEETમાં લખ્યું હતું કે, તમે જાતિઓનો મામલો વધુ લાવશો, તો એનાથી સંગઠિત હિન્દુ મતોના વધુ ભાગલા થશે. વિરોધ પક્ષો આ વાત સમજી ગયા છે અને તેઓ એવી જ ગેમ રમી રહ્યા છે. બ્રાહ્મણ જીન્સ ટ્રેન્ડ પણ હિન્દુ મતોનું વિભાજન કરે છે. લોકોને એ સમજાય છે કે નહીં એનો મને ખ્યાલ નથી.

ચેતનના આ TWEETની ખૂબ ચર્ચા થવા લાગી. ફરી એક વખત સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા. આ TWEET પર કોમેન્ટ્સ કરનારી વ્યક્તિઓમાં અનુરાધા પણ સામેલ થઈ. તેણે ચેતન ભગતને જવાબ આપ્યો.

અનુરાધાએ જવાબમાં લખ્યું હતું કે, શું બ્રાહ્મણો વિરુદ્ધ નફરતની લાગણીથી હિન્દુઓ સંગઠિત થઈ રહ્યા છે ?
શું અનામતથી હિન્દુઓ એક થઈ રહ્યા છે ?
શું જાતિ આધારિત વસ્તી ગણતરી હિન્દુઓને સંગઠિત કરી રહી છે ?

અનુરાધા તિવારી એક પછી એક પોસ્ટ કરતી રહી. તેણે તેના વિરોધીઓને જવાબ આપવાની કોશિશ કરી. જેના લીધે તેની તરફેણમાં અને વિરુદ્ધમાં લોકો કોમેન્ટ કરવા લાગ્યા. આ બધા વચ્ચે અનુરાધાએ અનામતની વિરુદ્ધમાં અનેક TWEETS કર્યાં. જેના લીધે તેનો ભરપૂર વિરોધ થવા લાગ્યો. આ વિરોધ વચ્ચે અનુરાધાએ દલીલ કરી કે, અનામત જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડે છે. તેણે પોતાની વાતને પુરવાર કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો પણ શેર કર્યો હતો.યોગીએ કહ્યું કે, બટેંગે તો કટેંગે. આ વિવાદની શરૂઆત બ્રાહ્મણ તરીકેની ઓળખ પર ગર્વ કરવાથી થઈ હતી અને આખરે આ વાત અનામત સુધી પહોંચી ગઈ.

દેશમાં અનામતને લઈને એક મોટું આંદોલન શરૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોય એમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અનુરાધાએ બ્રાહ્મણ જીન્સ પોસ્ટ કરી ત્યાં સુધી બરાબર હતું. જોકે, અનામતનો મુદ્દો છેડીને તેણે અજાણતા ટુકડે ટુકડે ગેંગને સપોર્ટ આપી દીધો છે. BJPએ આરોપ મૂક્યો છે કે, આ ટુકડે ટુકડે ગેંગ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરી દેવા માગે છે. આ લોકો દરેક મુદ્દે જાતિની વાત લાવે છે. BJPના નેતાઓ આરોપ મૂકતા રહે છે કે, રાહુલ ગાંધી આ ગેંગના મુખિયા છે. રાહુલ ગાંધી વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા સહિત તમામ ક્ષેત્રોના કર્મચારીઓમાં SC, ST અને OBCને શોધતા રહે છે. તેઓ ભારતીયોને જાતિઓના આધારે અલગ પાડવાની કોશિશ કરતા હોવાનું જણાય છે. અનામતનું બ્યૂટિફિકેશન થઈ રહ્યું છે. રાહુલ ગાંધી એક નેરેટિવ ચલાવી રહ્યા છે. આ નેરેટિવનો હેતુ એ છે કે, તમે દરેક જગ્યાએ SC, ST અને OBCને શોધતા રહો. જાતિઓને જ મહત્ત્વ આપતા રહો. તેમનો ક્લિયરકટ મેસેજ છે કે, જાતિનું જ મહત્ત્વ છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, કોઈ વ્યક્તિ પોતાની જાતિને લઈને ગૌરવની લાગણી કરે તો તેની સામે વાંધો ઉઠાવવો કેટલો યોગ્ય છે ? શું આ ડબલ સ્ટાન્ડર્ડ નથી ? કેમ કે, આખરે તો રાહુલ જ જાતિને શોધી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે આવા માહોલમાં કોઈ પણ વ્યક્તિ સામેથી જ પોતાની જાતિ કહી શકે છે. અમે આવા જાતિવાદમાં માનતા નથી. બલકે, અમે વસુધૈવ કુટુમ્બકમમાં માનીએ છીએ. એવું કુટુંબ કે જ્યાં તમામ માનવી સમાન હોય. તમામ લોકો પોતાની જાતિ, ધર્મ કે, દેશના બદલે એક મનુષ્ય હોવાના નાતે ગર્વ અનુભવે.

લોકશાહીમાં અભિવ્યક્તિની આઝાદી ખૂબ જ પવિત્ર ગણાય છે. એને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. બલકે, એને મૂળ બંધારણીય અધિકાર ગણાવવામાં આવ્યો છે. જોકે, એટલી કાળજી જરૂર રાખવી પડે કે, આ આઝાદી હેટસ્પીચમાં કન્વર્ટ ના થઈ જાય.

અમે સરળ ભાષામાં કહીએ તો તમે જાહેરમાં તમારા અભિપ્રાયો રજૂ કરી શકો છો. જેનો તમને અધિકાર છે. જોકે, તમારા શબ્દોથી કોઈ વ્યક્તિની લાગણીને ઠેસ ના પહોંચવી જોઈએ. તમે ધર્મ, વંશ, જાતિ કે ભાષાના આધારે કોઈને પણ ટાર્ગેટ ના કરી શકો. જો તમે કોઈને આ રીતે ટાર્ગેટ કરવાની કોશિશ કરો તો એ હેટ સ્પીચ ગણાય. સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને લઈને અનેક વખત કડકાઈ બતાવી છે. અમે પણ માનીએ છીએ કે, ધિક્કારની લાગણી જગાવતા શબ્દોને વખોડવા જોઈએ. કેમ કે, આખરે આવા શબ્દોથી હિંસાને પ્રોત્સાહન મળે છે.

અભિવ્યક્તિની આઝાદીને હથિયાર બનાવીને હેટ સ્પીચ ના આપી શકાય. હેટ સ્પીચને રોકવા માટે કાયદા પણ ઘડવામાં આવ્યા છે. જોકે, આપણા દેશમાં કેટલીક જાતિઓને હેટ સ્પીચની વિરુદ્ધ લીગલ પ્રોટેક્શન મળ્યું નથી. એટલે કે, આ જાતિઓની વિરુદ્ધ કંઈ પણ એલફેલ બોલવાની જાણે કે છૂટ આપવામાં આવી છે. કોઈ જ કારણ વિના તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. અમે બ્રાહ્મણોની વાત કરીએ છીએ. અમે અનુરાધા તિવારીની જ વાત કરતા નથી. અમારી આખી વાત તમે શાંતિથી સાંભળજો. અમે કોઈ પણ કાસ્ટની તરફેણ કે વિરુદ્ધમાં નથી. અમારા માટે તો ભારતમાં રહેતી દરેક વ્યક્તિ ભારતીય છે અને એ દૃષ્ટિએ બધા જ સમાન છે. આમ છતાં કેટલીક હકીકતને જોઈ અને સમજવા છતાં અમે અમારી આંખો બંધ ના રાખી શકીએ. હકીકત એ છે કે, રાજકારણ, મીડિયા, યુનિવર્સિટીઓ અને પોપ કલ્ચરમાં ભારતની વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે. જેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણોને ટાર્ગેટ કરવામાં આવે છે. એક રીતે બ્રાહ્મણોની વિરુદ્ધની હેટ સ્પીચને નોર્મલાઇઝ કરવામાં આવે છે. સવાલ એ છે કે, બ્રાહ્મણોની વિરુદ્ધ શા માટે આટલી નેગેટિવિટી ફેલાવવામાં આવી રહી છે ?

બ્રાહ્મણો વિરુદ્ધ નેગેટિવિટીનો આ પુરાવો તમે જુઓ. આ તસવીરમાં તમને TWITTERના ભૂતપૂર્વ CEO જેક ડોરસી જોવા મળશે. આ તસવીર નવેમ્બર 2018ની છે. એ સમયે ડોરસી ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે અહીં કેટલીક મહિલા પત્રકારો, એક્ટિવિસ્ટ્સ અને લેખકોની સાથે એક ગ્રૂપ ફોટો માટે પોઝ આપ્યો હતો. એ સમયે ડોરસીના હાથમાં એક પ્લેકાર્ડ હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, “Smash Brahminical Patriarchy”. જેને લઈને TWITTER પર શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ હતી. ડોરસીએ મેસેજ આપ્યો કે, “Smash Brahminical Patriarchy”.

સોશિયલ મીડિયા પર એ સમયે અનેક લોકોએ માની લીધું હતું કે, Brahminical એટલે કે બ્રાહ્મણોને સંબંધિત.
Patriarchy એટલે કે, પિતૃસત્તા. પિતૃસત્તાવાળા કુટુંબની વાત કરીએ તો કુટુંબનો મુખ્યકર્તા સૌથી વડીલ પુરુષ હોય છે.
Smash એટલે કે ભાંગીને ભૂક્કો કરી દેવો.

આ રીતે મેસેજ આપવામાં આવ્યો છે કે, અન્ય જાતિના લોકો પર બ્રાહ્મણો અત્યાચાર કરી રહ્યા છે. આ અત્યાચારનો અંત લાવવો.
આ તો માત્ર એક ઉદાહરણ છે. કેટલાક સંસદસભ્યો, વિધાનસભ્યો, શિક્ષણકારો, પત્રકારો અને અનેક સોશિયલ મીડિયા યુઝર્સ બ્રાહ્મણોની વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. જલાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પણ વખતોવખત સવર્ણો વિરુદ્ધ લખાણ લખવામાં આવે છે. આ યુનિવર્સિટીના કેમ્પસની દીવાલો પર ‘બ્રાહ્મણો ભારત છોડો’ જેવા ધિક્કારની લાગણી જગાવતાં સૂત્રો લખવામાં આવે છે. બ્રાહ્મણોને ડરાવવા માટે સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના બિલ્ડિંગમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ જ કેમ્પસમાં ભારત તેરે ટુકડે હોંગેનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ જ કેમ્પસમાં હિન્દુ ધર્મને નષ્ટ કરી દેવાનાં સપનાં દેખાડવામાં આવે છે.

બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓકવાની વાત છે તો એક ખાસ રાજ્યનો ઉલ્લેખ કરવો પડે. વાત તામિલનાડુની છે. તામિલનાડુના પ્રધાન તેમજ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનના એક સ્ટેટમેન્ટને યાદ કરવું પડે. ઉદયનિધિએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે, ‘કેટલીક વસ્તુઓનો અંત લાવવો જ રહ્યો. જેમ કે, મચ્છર, ડેંગ્યૂ, મલેરિયા અને કોરોનાને ખલાસ કરવા જ રહ્યા. જેનો વિરોધ ન કરી શકાય. સનાતન ધર્મ પણ આવો જ છે. સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃત પરથી આવ્યું છે.’

ઉદયનિધિએ ઓચિંતા આ વાત કહી નથી, પરંતુ તેમની પાર્ટી DMKની શરૂઆત જ બ્રાહ્મણ વિરોધી આંદોલનોથી થઈ હતી. જસ્ટિસ મૂવમેન્ટ, સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ અને ડ્રવિડ મૂવમેન્ટ એમ ત્રણ બ્રાહ્મણ વિરોધી આંદોલનોથી DMKનો જન્મ થયો હતો. આ રાજ્યમાં બ્રાહ્મણોની વિરુદ્ધ લોકોમાં ખૂબ જ નફરતની લાગણી છે. આ રાજ્યમાં ત્રણ ટકા બ્રાહ્મણો છે. તેમની વિરુદ્ધ નફરતની લાગણી વિશે સમજવા માટે બ્રિટિશ રાજના સમયગાળામાં જવું પડે. બ્રિટિશ શાસનમાં સૌથી પહેલાં બ્રાહ્મણોએ અંગ્રેજી ભાષાને અપનાવી હતી. જેના કારણે બ્રિટિશ રાજના સમયે વહીવટીતંત્રમાં બ્રાહ્મણોની સંખ્યા સૌથી વધારે હતી.

લેખક કે. નંબી અરુરને તેમના પુસ્તક ‘તામિલ રેનેસન્સ’માં લખ્યું હતું કે, 1912માં મદ્રાસ પ્રેસિડન્સીમાં ડેપ્યુટી કલેક્ટર, સબ જજ, ડિસ્ટ્રિક્ટ મુનસિફ જેવી બ્રિટિશ નોકરીઓમાં બ્રાહ્મણોનો દબદબો હતો. જોકે, તામિલનાડુમાં તેમની કુલ ત્રણ ટકા વસ્તી હતી. જેના કારણે સમાજમાં બ્રાહ્મણ વિરોધી વિચારધારાનો જન્મ થયો. કેટલાક લોકોએ સમાજના મનમાં એ વિચાર નાંખ્યો કે, કોઈ કાવતરાના ભાગરૂપે મોટા પદો પર બ્રાહ્મણોની નિમણૂક કરવામાં આવી રહી છે. જેના કારણે બીજા સમાજના લોકોને તક મળતી નથી.

રાહુલ ગાંધી સતત એવી ઇમેજ ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે કે, બ્રાહ્મણો સહિતના સવર્ણોના હાથમાં જ શાસન રહ્યું છે. મજેદાર વાત એ છે કે, પુષ્કરના મંદિરમાં એક પૂજા દરમ્યાન રાહુલે પોતાની જાતને કાશ્મીરી બ્રાહ્મણ ગણાવ્યા હતા. એ સમયે તેમણે પોતાનું ગૌત્ર દત્તાત્રેય ગણાવ્યું હતું. બીજી તરફ PM મોદી OBC સમુદાયના છે. લોકસભાની ચૂંટણીના સમયે રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જાતિ આધારિત રાજકારણ રમતા હતા. એ સમયે આ રાજકારણનો મુકાબલો કરવા માટે PM મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ, મહિલાઓ, યુવકો અને ખેડૂતો એમ ચાર મુખ્ય જાતિઓ છે.

આવી વાતો છતાં પણ ભારતમાંથી જાતિ આધારિત રાજકારણને નાબૂદ કરી શકાય એવી સ્થિતિ અત્યારે જણાતી નથી. કેમ કે, રાહુલ ગાંધી SC, ST અને OBC સમુદાયના લોકોના મનમાં સતત એ વાત ઠસાવી રહ્યા છે કે, રાજકારણ અને અર્થકારણમાં તેમનું પૂરતું પ્રતિનિધિત્ત્વ નથી. આ રીતે આ સમાજના લોકોની ઉશ્કેરણી કરવામાં આવે છે. જેના કારણે જ તો બ્રાહ્મણો સહિતના સવર્ણો વિરુદ્ધ સતત ઝેર ઓકવામાં આવતું રહે છે.

વખતોવખત બ્રાહ્મણોની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવતાં રહે છે. જેમ કે, મધ્ય પ્રદેશના BJPના નેતા પ્રીતમ લોધીએ કથા કરતાં બ્રાહ્મણો વિશે ઓગસ્ટ, 2022માં વાંધાજનક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, આ બ્રાહ્મણો તમને નવ દિવસ રોજ સાતથી આઠ કલાક પાગલ બનાવે છે. મહિલાઓ તેમની વાત સાંભળીને પોતાના ઘરોમાંથી ઘી, ઘઉં અને ચોખા તેવી વસ્તુઓ તેમના ચરણોમાં અર્પણ કરી દે છે. મહિલાઓએ આ સામગ્રી તેમનાં સંતાનોને જમાડવી જોઈએ. દાન દક્ષિણા લઈને આ બ્રાહ્મણો રફુચક્કર થઈ જાય છે.
સ્વાભાવિક રીતે આવી વાતોનો વિરોધ થાય. એટલે પ્રિતમની BJPમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

પંજાબના રાજકારણમાં ફટકાબાજી કરનારા નવજોત સિંહ સિદ્ધુએ પણ ભૂતકાળમાં બ્રાહ્મણો પર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે અકાલી દળના નેતા અનિલ જોશીને ‘કાળા બ્રાહ્મણ’ ગણાવ્યા હતા. આ રાજ્યના બ્રાહ્મણોએ સ્વાભાવિક રીતે એનો ભારે વિરોધ કર્યો હતો. જેના પછી સિદ્ધુએ બ્રાહ્મણોની માફી માગી લીધી હતી.

વિદેશોમાં પણ બ્રાહ્મણો વિરુદ્ધ નફરતની લાગણી ફેલાવાઈ છે. અમેરિકન મહિલા પ્રોફેસર એમી વેક્સ બ્રાહ્મણો વિશે ઘસાતું બોલ્યા હતા. તેમણે એક ટોક શોમાં કહ્યું હતું કે, બ્રાહ્મણ મહિલાઓને શીખવવામાં આવે છે કે, તેઓ બીજા બધા કરતાં શ્રેષ્ઠ છે. કેમ કે, તેઓ બ્રાહ્મણ છે. આમ છતાં પણ તેમના દેશમાં ગંદકી છે. એમીની આ કોમેન્ટની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.

સવાલ એ છે કે, બ્રાહ્મણો માટે શા માટે અમુક લોકોની આંખોમાં ઝેર જોવા મળી રહ્યું છે ? આ સમસ્યાનું મૂળ જાતિ આધારિત રાજકારણ છે. ખરેખર બ્રાહ્મણ શબ્દનો અર્થ ખૂબ જ સુંદર છે. જે બ્રહ્મનું કામ કરે એ તમામ લોકો બ્રાહ્મણ છે. બ્રહ્મ એટલે કે ભગવાનનું કામ. જે ભગવાનના વિચારો લોકો સુધી પહોંચાડે તેને બ્રાહ્મણ કહેવાય, પછી એ વ્યક્તિ કોઈ પણ જાતિ કે જ્ઞાતિની હોય. આવા બ્રાહ્મણોનો તમે કેવી રીતે વિરોધ કરશો ?