વૈદિક સાહિત્ય માં વર્ણવાયેલ, આપણા આરાધ્ય દેવતાઓને નવા યુગની, નવી નજરે મુલવવાની જરૂરત છે જેથી આવનારી પેઢીની શ્રદ્ધા સાહિત્ય પ્રત્યે જળવાય રહે,. અલબત આ વૈદિક ચરિત્રો કોઈ આર્થિક પ્રબંધનના, વ્યવસાયના સંચાલકો નહોતા ,પરંતુ તેઓ સમાજનાં, સામાજિક વ્યવસ્થા ના લોકનાયક હતા,ગુરુ હતા, ઘડવૈયા હતા. આવા જ એક લોકનાયક છે ગણપતિદાદા . ગણ=યાને નાના સમૂહનું યુનિટ, એકમ, તેના પતી કે નાયક, એટલે ગણપતિ.
કોઇપણ ખાનગી હોય કે જાહેર, શુભ પ્રસંગમાં ગણપતિ પ્રથમ પૂજાય છે , ચાહે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા હોય, વેપારી ના ચોપડા પૂજન હોય કે હોય પછી લગ્ન, પ્રથમ ગણપતિનું સ્થાપન અચૂક થાય છે. દરેક ઘરના ઉંબરે, કે ઉચા મકાનના મિનારે આરસની તકતીમાં ગણપતિજી અચૂક બિરાજતા હોય છે.
યોગ સાધના ની શરુઆત મૂલાધાર ચક્રથી થાય છે અને મૂલાધાર ચક્ર સાથે ગણપતિજીનું
સ્મરણ કરાય છે, ભક્તિમાં ભજનની શરૂઆતમાં ગણનાયકની પૂજા પ્રથમ થાય છે. ગણેશજી દેશના ખુણે ખુણે પૂજાય છે. ભારતના દરેક ધર્મો, જૈન, બુદ્ધ ધર્મો માં પણ તેનો ઉલ્લેખ છે. એટલુંજ નહીં, એશિયાના લગભગ દેશોમાં ગણપતિજી પૂજાય છે. થાઈલેન્ડ ,કમ્બોડિયા ,બ્રહ્મદેશ, ઈન્ડોનેશિયા વગેરે દેશોમાં તેની મૂર્તિઓ મળી આવી છે. દેશ વિદેશનાં શિલ્પ માં ગણેશની વૈવિધ્ય સભર મૂર્તિઓ મળી આવે છે.
તેણે પોતાનો પહેરવેશ, શરીરનો આકાર, પોતાનું વાહન અને આયુધો ધારણ કરીને ઘણા સંદેશ આપ્યા છે. તેના શસ્ત્રો માં : હાથમાં અંકુશ છે, પાશ છે, વળી મોદક છે ને ,આશીર્વાદ ની મુદ્રા છે. આ આકાર અબાલવૃદ્ધને પ્રિય છે.
કારણ કે આ આકૃતિનો ખાસ અર્થ છે. હાથમાં રહેલ અંકુશ :વાસના પર ,અનિયંત્રિત ઈચ્છા પર અંકુશ રાખવા નું સૂચવે છે, તો પાશ ઇન્દ્રિયોને કાબુમાં રાખવા માટે છે. મોદક જીવનને સાત્વિક ખોરાક લઈ આનંદ ભોગવવા નું દર્શાવે છે. તો આશીર્વાદ મુદ્રા : સર્વને કલ્યાણ ના આશીર્વાદ આપે છે.
ગણેશજી પ્રત્યેની અનન્ય ભક્તિને નજરે રાખીને જ શ્રી લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવ દ્વ્રારા લોક જાગૃતિ કરી હતી. જે ગણેશોત્વ તરીકે આજે પણ ચાલુ જ છે.
આવા હાથીના મસ્તક વાળા દુંદાળા દેવને મેનેજેમેન્ટ સાયન્સની નજરે પણ મુલવવાનો પ્રયાસ કરવા જેવો છે . જેમકે:-
- સૌથી પ્રથમ સવાલ થાય કે હાથીનું મસ્તક શિવ ભગવાને ગણ પતિને શા માટે આપ્યું? શિવ એટલે “કલ્યાણ”. જે સૌનું કલ્યાણ કરે છે તથા જે સંહાર ની શકિત ધરાવે છે તે. જેણે સમાજનું કલ્યાણ કરવું હોય તેની પાસે વિશિષ્ટ અને અમાપ શક્તિ હોવી જ જોઈએ “ અને આ બધી શક્તિનો સમુચ્ચય દર્શાવવા મોટું માથું છે. તેથી ગજ મસ્તક ધારક છે
- હાથીના મોટા મસ્તકમાં બે અતિ નાની આખો છે , ઘણું લાંબુ નાક યાને સૂંઢ છે. વિશાળ કાન છે એ ઉપરાંત તીવ્ર યાદ શક્તિવાળું મગજ છે. આ બધાજ અવયવો વિશિષ્ટ ગુણો વાળા છે જેનો બરોબર ઉપયોગ એક નેતા કરે તો પોતાના ગણને, ટીમ ને સફળ નેતૃત્વ આપી શકે છે. એટલે કલ્યાણકારી શિવે પોતાના પુત્ર પાસે તે શક્તિ છે તેવું દર્શાવવા હાથીનું રૂપક રચ્યું છે.
- મોટું માથું :-
- પહેલા તો નામ જ બતાવે છે કે તે ગણપતિજી નાયક છે. એટલું જ નહી પણ તે ગુણપતી છે યાને ગુણો અને ગણ બન્ને ના પતી. .
” લક્ષ્ય અર્જિત કરવા સામુહિક પ્રયત્નો કરવાના હોય, ત્યારે નેતાની જરૂર પડે છે, જે નેતા આગોતરું આયોજન કરે છે, આ માટે વિસ્તૃત વિચાર કરીને ,દરેક પાસા નો ખ્યાલ રાખી દરેકને , દરેક જરૂરતો સમાવીને તેમાંથી રસ્તો કાઢવાની આવડત જરૂરી છે.
ઘણીવાર સામાન્ય રસ્તા દ્વારા વિષમ સમસ્યાનું સમાધાન શક્ય હોય છે .તો સામાન્ય સમજથી ઉપર ઊઠી, વિચક્ષણ તાનો ઉપયોગ કરવાનો હોય છે .આ ક્ષમતાનો સમાજ સામે દર્શાવવાની પણ જરૂરત હોય છે. દા.ત.
લગ્નની પ્રથમ પસંદગી બનવા સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની શરત હતી તો ગણેશજી માત્ર માતપિતાની પ્રદક્ષિણા ફરી ને શરત પૂરી કરે છે. અને પોતાના ભાઈ કાર્તિકને હરાવે છે. આ તેની વિચક્ષણતા બતાવે છે .આમ લીડરને મોટું માથું (મોટું મગજ ) યાને, વિશાળ જ્ઞાન અને વધુ બુદ્ધિશક્તિ જોઈએ . હાથી બધા પ્રાણીમાં સૌથી વધુ બુદ્ધિશાળી ગણાય છે. પણ દાદા “પરિવાર સંસ્થા ”ના સભ્ય થઈ, માતા પિતાના આજ્ઞાકારી પુત્ર બની આ વિચક્ષણતા બતાવે છે.
અરે! આપણે એટલે તો લોકભાષા માં આવા નેતા માટે “ મોટું માથું” શબ્દ વાપરીએ છીએ
- નેતા સંભવિત જોખમો સામે સમૂહનું રક્ષણ કરે છે નેતા વિઘ્નેશ્વર હોય છે. કોમર્સિયલ યુનિટની ટીમ હોય, કે સમાજના કોઈ વર્ગનો સમૂહ, પોતાના સમૂહ, ગ્રુપ, ટીમ પર આવતા વિઘ્નોનો નિકાલ કરવો જરૂરી હોય છે . આ સંભવિત જોખમો જોવા સમજવા બારીક નજરની જરૂર હોય છે. જીણી નજર હાથીમાં હોય છે. આ જીણી નજર જ અતિ સૂક્ષ્મ વસ્તુને જોઈ શકે છે આ તીક્ષ્ણતા ને લઈને જ ગણ પતિ જીણી નજર વાળા છે . જેથી તે પોતાના યુનિટમાં, નાનામાં નાનો દોષ, કમી જોઈ શકે.
- એવું જાણવા માં આવ્યું છે કે હાથી દીર્ઘ દ્રષ્ટિ ધરાવે છે. તે જીણી નજર માં વ્યક્તિને કાયમી સમાવી લે છે. એટલુંજ નહી પણ સામેની વ્યક્તિનું માનસિક આકલન પણ કરી લે છે ,યાને વ્યક્તિ હાનિકારક છે કે નહી? તે જાણી લે છે.
આપણે યાદ કરીએ જુના સમયમાં રાજાની પસંદગી , કે કન્યા ના વરની પસંદગીમાં હાથીનો ઉપયોગ થતો. હાથી સુંઢમાં ફૂલની માળા મૂકી મુરતિયાઓ વચ્ચે ફરે. હાથી આ માળા જે પણ મુરતિયાના ગળામાં પહેરાવે તેને રાજા તરીકે કે વર તરીકે પસંદ કરવામાં આવતો. કારણકે તે વ્યક્તિને એક નજર માં જ ઓળખી લે છે.
- બસ આ જ રીતે વિઘ્નહરણ ગણપતિજી આદર્શ નેતા છે. પોતાના ભક્તો ની રક્ષા કરવા વિઘ્ન નામના અશુરને દુર રહેવા બાધ્ય કરે છે એટલે આજે દરેક શુભ પ્રસંગ, ની:વિઘ્ને પતાવવા આપણે પ્રથમ ગણપતિજીને પૂજીએ છીએ. આ દ્વારા તે આપણને સૌને કોઈ પણ કાર્યના સંભવિત જોખમો સામે પૂર્વ તૈયાર કરવાની શીખ આપે છે.
- નેતા પોતે અન્યને ખવડાવીને ખાય છે ને એટલે જ ઘરમાં, શુભ પ્રસંગે મીઠાઈઓ પાસે ગણપતિનો દીવી કરી રાખવામાં આવે છે. કે જેથી ખોરાક ખૂટે નહી. ક્યારેય પણ હાથીને મહાવત કંઈ પણ ખાવાનું આપે ત્યારે હાથી પહેલા ચારે બાજુ થોડુંક ઉડાડે છે જાણે અન્ય જીવોને ભાગ આપતો હોય. આ ઉદાત્ત ભાવના ગણના પતિમાં હોવી જોઈએ .
- ગણપતિ ને સુપડા જેવા કાન છે. સૂપડું ક્ચરાવાળા ધાન માંથી કસ્તર, કચરો કાઢવા ના કામમાં વપરાય છે આમ જ ગણપતી પોતાને જે પણ સાંભળવા મળે છે તેમાંથી તે સુપડા સમ કાનથી , સાંભળી બિનજરૂરી વાતો કાઢી, બાકીનું સ્વીકારે છે.
- વળી મોટા કાન ઉતમ શ્રવણ શક્તિ વાળી વ્યક્તિ હોવાનું કહેવાય છે.
- મોટું પેટ છે જે માટે લમ્બોદર શબ્દ વપરાય છે . લોકનેતા ને બધી જગ્યાએથી ખુબ માહિતી મળતી હોય છે, ઘણા પોતાની વ્યક્તિગત સમસ્યા કહેતા હોય છે તો આ માહિતીને પેટમાં જ સમાવી લેવી તે આદર્શ ગુણ ગણાય છે .આ ગુણ દર્શાવવા પેટને મોટું બતાવ્યું છે. આપણી લોક ભાષામાં આપણે શબ્દ વાપરીએ છીએ “સાગર પેટા”. આમ નેતા ને પણ મોટા પેટ વાળા બનવાની વાત ગણેશજી શીખવાડે છે.
- ગણેશજી ના પગ ઘણા નાના છે. કાર્યમાં ધીરા રહી ,જરૂરી ગતી રાખવી. ઉતાવળ નહિ તેવું દાદા સૂચવે છે . કાચબાની જેમ રહી રેસ જીતવી. કહેવત છે :ઉતાવળા સો બહાવરા યાને ઉતાવળ માં ભૂલો કરવા કરતા ધીમા ધીરા રહેવાનું ગણેશજી શીખવે છે.
આપણે નિરીક્ષણ કરીએ તો જણાશે કે નાના પગવાળા, ઓછી ઉચાઇ ના લોકો ધીમા પણ દ્રઢ નિશ્ચયી હોય છે.દા.ત. બાજપાઈજી, શાસ્ત્રીજી વગેરે.
- આવું અદોદળું શરીર છતાં બાપાએ પોતાનું વાહન તરીકે “ઉંદરને “ પસંદ કર્યો છે. જે ઘણું વિચિત્ર લાગે .પણ તે શીખવે છે કે જો શંકર ભગવાન પોઠિયો, કે અંબામાં જેમ સિહ વાહન રાખે છે , તેમ રાખે તો નાનામાં નાના, સામાન્ય જનના ઘરમાં જઈ ન શકાય, જયારે ઉંદર ગમે ત્યા ઘુસી શકશે. યાને ગણપતિ બાપા શીખવાડે છે કે લોકનેતા એ , સામાન્ય લોકમાં જલદી ભળી જાય તેવા સાધનો રાખવા.
- ઉંદરની ખાસિયત છે “ ફૂંક મારી મારીને કરડવું.” યાને ખબર પણ ન પડે તેમ કરડી લેવું. લોકનેતા ને ઘણીવાર ઘણી કડવી વાતો, સલાહો આપવાની થાય ત્યારે ઉંદરની જેમ ફૂક મારીને કહેવું, યાને સુગર કોટેડ સમજ આપવાની રીત બાપા શીખવાડે છે.
- પરંતુ બાપા ઉંદર ઉપર બેઠા છે તેનું પણ કારણ છે ઉંદરને ચોરી ચોરી છુપાયને ખાવાની ટેવ ધરાવે છે. આ બિલકુલ આપણી મનોવૃતીનું પ્રતિક છે આપણામાં આ વૃતિ તક મળતા ઉભરી આવે છે. તેમાય જાહેર લોકનેતા બનતા, તેઓ ખાનગી રીતે જાહેર સંપતિને ચોરી ચોરી છુપાયને ઘર ભેગી કરવાની વૃતિ વાળા બને છે .આ કુટેવ ઉપર , કંટ્રોલ કરીને બાપા બેઠા છે . જે આપણે કહે છે કે લોકનેતા એ પોતાની આ મનોવૃત્તિ ની ઉપર બેસી, દબાવી , સેવા કરવાની છે.
- ગણેશજીની ગરદન વાંકી છે, વક્રતુંડ છે , વળી તેને રિદ્ધિ સિદ્ધિ વરેલી છે જે દ્વારા ગણેશજી કહે છે કે જો તમે પ્રસિદ્ધિ, સંપતી સામે પણ નહી જુઓ તો તે તમને આપોઆપ મળશે. પણ તેની લાલચ મગજમાં લાવવાની નથી .યાને તે તરફ ડોક લંબાવવાની નથી.
- ગણેશજી એ ઘાસનો (દુર્વાનો) ખોરાક પસંદ કર્યો છે. પરંતુ તેને લાલ રંગના ફૂલ પસંદ છે લાલ રંગ ક્રાંતિ નું પ્રતિક છે. ગતી, પ્રગતિનું પ્રતિક છે. જે સમૂહનો લડાયક જુસ્સો જાળવવા નું જણાવે છે. પણ સામાન્ય બનીને, યાને ઘાસ-દુર્વા ખાઈને જે ખુદ રંગ ગંધ વિહીન રહે છે. જે લોકનેતા ને અતિ સામાન્ય બની, ગતિશીલ બની રહેવાનું કહે છે.
આ રીતે ગણેશજીનું શરીર નેતાગીરીની ઘણા ગુણો નું દર્શન કરાવે છે.
દાદાનું, વૈદિક સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. ગણેશ પુરાણ, મુદગલ પુરાણ,બ્ર્હમ પુરાણ વગેરેમાં તેનો ખાસ ઉલ્લેખ છે. તેમના શરીરને “ઓમ” ના અક્ષર સાથે પણ સરખાવાય છે.
ગણેશજી વિશ્વાસ, વફાદારી, શક્તિ, સામર્થ્ય અને બુદ્ધિમતાનું પ્રતિક છે. હજારો વર્ષ વીતી ગયા ગણપતિજી અણનમ છે, અક્ષુણ્ણ છે. આપણા વૈદિક દેવી દેવતાઓને નવી રીતે મુલવી નવું સમજીએ તો નવું જ્ઞાન મળશે.