કોડીનારના દરિયામાં રમતા બે બાળકોના ડૂબવાથી મોત, આખું ગામ હિબકે ચડ્યું

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ કોડીનાર તાલુકાના માઢવાડ ગામે કરૂણ ઘટના સામે આવી છે. ગઈકાલ સાંજે 5 કલાકે બે બાળકો શાળાએથી છૂટીને દરિયામાં થર્મોકોલ ઉપર બેસી રમતા હતા. તે સમયે પવનની લહેરખી આવતા બાળકો દરિયામાં તણાવા લાગ્યા હતા. એક યુવકે આ જોતાં જ તાત્કાલિક બૂમો પાડી ગામલોકોને ભેગા કર્યા હતા.

સાંજે 6 કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આશરે 100થી પણ વધારે ફિશિંગ જાળ સમુદ્રમાં બિછાવી બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાત્રિના 10:30 કલાકે સાહિલ નામના બાળકનો મૃતદેહ મળ્યો હતો અને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે રાતે 12 કલાકે અન્ય એક બાળક દેવરાજનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

બે બાળકોના મોત થતા આખું ગામ હીબકે ચડ્યું હતું. બન્ને બાળકોને કોડીનારની રાનાવાળા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.