September 17, 2024

કોણ છે ધવલ બુચ અને માધવી પુરી બુચ? હિંડનબર્ગના ખુલાસા પછી બંને નામ ચર્ચામાં

અમદાવાદઃ અદાણી ગ્રૂપ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ મૂકનાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગે હવે નવો ખુલાસો કર્યો છે. હિંડનબર્ગે દાવો કર્યો છે કે, સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની મોરેશિયસ ઓફશોર કંપની ‘ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ’માં હિસ્સો છે. હિંડનબર્ગે દાવો કર્યો છે કે, ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ આ કંપનીમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

આરોપ છે કે, આ પૈસાનો ઉપયોગ શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો. હાલમાં આ આરોપો પર સેબી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હિન્ડનબર્ગે આરોપ લગાવ્યો છે કે, અદાણી કેસની તપાસની જવાબદારી સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચ પર હતી, તેમ છતાં વિનોદ અદાણીએ તેમની કંપનીમાં ભારે રોકાણ કર્યું હતું. તો ચાલો જાણીએ કોણ છે માધવી પુરી બુચ અને ધવલ બુચ જેમના નામ સમાચારમાં છે.

માધવી પુરી બુચ
2 માર્ચ, 2022ના રોજ માધવી પુરી બુચે સેબીના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. અગાઉ તે સેબીના સંપૂર્ણ સમયના સભ્ય હતા અને બજાર નિયમન, રોકાણ વ્યવસ્થાપન અને IT સંબંધિત વિભાગોની કામગીરીનું ધ્યાન રાખતા હતા. માધવી પુરી બુચે શાંઘાઈની ન્યુ ડેવલપમેન્ટ બેંકમાં સલાહકાર તરીકે અને ખાનગી ઈક્વિટી ફર્મ ગ્રેટર પેસિફિક કેપિટલમાં સિંગાપોરના વડા તરીકે પણ કામ કર્યું છે. માધવી પુરી બુચ, ICICI સિક્યોરિટીઝના MD અને CEO હોવા ઉપરાંત, ICICI બેંકના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ પણ સંભાળી ચુક્યા છે. માધવી પુરી બુચે અમદાવાદ IIMમાંથી એમબીએ અને નવી દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી મેથેમેટિક્સની ડિગ્રી મેળવી છે.

કોણ છે ધવલ બુચ?
ધવલ બુચ સેબીના ચેરપર્સન માધવી બુચના પતિ છે અને હાલમાં બ્લેકસ્ટોન અને અલ્વારેઝ એન્ડ માર્શલના વરિષ્ઠ સલાહકાર છે. તેઓ ગિલ્ડન બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ પણ સંભાળી ચૂક્યા છે. ધવલ બુચે IIT દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Techની ડિગ્રી મેળવી છે. ધવલ બુચે યુનિલિવર ખાતે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્વિઝિશન ઓફિસરની જવાબદારીઓ પણ નિભાવી છે. બૂચ એક્વિઝિશન અને સપ્લાય ચેઇનના ક્ષેત્રોમાં ઊંડો રસ ધરાવે છે.