જૂનાગઢમાં પદાધિકારીઓની નિયુક્તિની પ્રકિયા, નિરીક્ષકો સાથે બેઠક બાદ વોર્ડ મુજબ સેન્સ લેવાઈ

સાગર ઠાકર, જૂનાગઢઃ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ ભાજપની પદાધિકારીઓ માટેની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિયુક્તિ થતાં આજે નિરીક્ષકો જૂનાગઢ આવી પહોંચ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા માટે રાજુભાઈ શુક્લ, હિંમતભાઈ પરસાલા, અરૂણાબેન ચૌધરીને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગિરનાર કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે નિરીક્ષકોએ બેઠક કરી અને બાદમાં વોર્ડ મુજબ સેન્સ લેવામાં આવી હતી.
જ્યારે જિલ્લાની વંથલી, માણાવદર, બાંટવા, માંગરોળ, ચોરવાડ અને વિસાવદર નગરપાલિકા માટે મહેન્દ્રસિંહ સરવૈયા અને વિનોદભાઈ ભંડેરીને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પંડિત દિનદયાલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા.
નિરીક્ષકો દ્વારા પસંદગીની પ્રક્રિયા કરીને પાર્લામેન્ટ્રી બોર્ડને રિપોર્ટ સોંપવામાં આવશે. પાર્લામેન્ટ્રી બોર્ડ ચૂંટણી નિરીક્ષકને બંધ કવરમાં નામ આપશે જેની પ્રથમ જનરલ બોર્ડમાં જાહેરાત કરવામાં આવશે. સંભવતઃ આગામી એક અઠવાડિયામાં મનપામાં મેયર, ડેપ્યુટી મેયર તથા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તથા વિવિધ સમિતિઓના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપને 60માંથી 48 બેઠકો મળી હતી. વંથલીમાં 24માંથી 20, માણાવદરમાં 28માંથી 25, બાંટવામાં 24માંથી 24, માંગરોળમાં36 માંથી 15, ચોરવાડમાં 24માંથી 20 અને વિસાવદરમાં 24માંથી 19 બેઠકો ભાજપના ફાળે આવી હતી. આમ માંગરોળને બાદ કરતા તમામ નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. માંગરોળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી, પરંતુ બસપાના 4 વિજેતા ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કરતા હવે માંગરોળમાં પણ ભાજપની સત્તા આવશે.