જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. 6માં વિપક્ષ આક્ષેપો કરે છે, શાસકોનું વિકાસનું રટણ

જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી: મારો વોર્ડ મારી વાત અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં 6ની વાત કરીએ તો વોર્ડ નં. 6માં મોટાભાગનો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે એટલે સ્વાભાવિક રીતે પ્રાથમિક સુવિધાઓ આ વિસ્તારને અસર કરે છે. મનપા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ગેસ લાઈન માટે રસ્તા ખોદવામાં આવ્યા અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
જૂનાગઢ મનપાના વોર્ડ નં 6માં પેટા ચૂંટણી આવી હતી અને ભાજપની પેનલ તુટતાં ચાર પૈકી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી અને કોંગ્રેસના લલિત પણસારા આ વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા હતા. આ વોર્ડમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટની સંખ્યા વધુ છે. કોમર્શીયલ વિસ્તાર ઓછો છે એટલે રસ્તા પાણી ગટરના પ્રશ્નો વધુ અસરકારક રહે છે. પૂર્વ શાસકોના મતે જે વિકાસ કાર્યો થયા તેને લઈને તકલીફ પડવી સ્વાભાવિક હતી, પરંતુ આવનાર સમયમાં લોકોને તેનાથી સુવિધા મળશે તેમ પણ તેમનું માનવું છે.
જ્યારે વિપક્ષ કોગ્રેસે વિકાસ કાર્યો આયોજન વગર થતાં હોવાનો આક્ષેપ કર્યો છે, વારંવાર રસ્તા ખોદાવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. પાણીની લાઈન તુટી જતાં પાણીની સમસ્યા રહેતી હતી જેને લઈને લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને હવે મત માંગવા આવનાર ઉમેદવારો જ્યાં સુધી સમસ્યા હલ ન કરે ત્યાં સુધી આ વિસ્તારમાં ન આવે તેવી માગ કરી રહ્યા છે.