November 23, 2024

લિકર પોલિસી કેસ: અરવિંદ કેજરીવાલ 6 દિવસ EDના રિમાન્ડ પર

ED Remand Note: લિકર પોલિસી કેસ મામલે PMLA કોર્ટે અરવિંદ કેજરીવાલને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ કેજરીવાલને 10 દિવસના રિમાન્ડ પર મોકલવાની માંગ કરી હતી. જો કે કોર્ટે દિલ્હીના સીએમને 28 માર્ચ સુધીના રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટમાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કસ્ટડી માંગતી વખતે EDએ કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP)એક વ્યક્તિ નથી પરંતુ એક કંપની છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ તેની રિમાન્ડ નોટમાં આ વાત કહી છે. EDએ રિમાન્ડ નોટમાં વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી ઘડવામાં અને તેને લાગુ કરવામાં મહત્વની ભૂમિકા હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં માસ્ટર માઇન્ડ છે.

રિમાન્ડ નોટમાં EDએ શું કર્યો દાવો?
કેન્દ્રીય તપાસ એજન્સીએ નોંધમાં કહ્યું કે તેણે સી અરવિંદના નિવેદનને ટાંક્યું છે, જે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના સચિવ હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021માં મનીષ સિસોદિયાએ સી અરવિંદને કેજરીવાલના ઘરે બોલાવ્યા અને તેમને 30 પાનાનો GOM ડ્રાફ્ટ આપ્યો હતો. આ દરમિયાન સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ હાજર હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કિકબેક તરીકે મળેલા નાણાંનો AAP દ્વારા ગોવાની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇડીએ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઘણા દાવા કર્યા હતા.

EDએ શું કહ્યું?
EDએ કોર્ટને જણાવ્યું કે લિકર પોલિસી મામલે મુખ્ય કાવતરું કરનાર અરવિંદ કેજરીવાલ હતા. પોલિસી લાગુ કરવા માટે સાઉથ ગ્રૂપ પાસેથી કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. બીજી બાજુ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આમાં ધરપકડની કોઈ જરૂર નથી. EDનો દાવો કર્યો કે દિલ્હી લિકર પોલિસીની બનાવવા અને અમલીકરણમાં ગોટાળા અને મની લોન્ડરિંગ થઈ છે. AAP નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત ઘણા નેતાઓ આમાં સામેલ થયા છે. આ કેસમાં બંને નેતાઓ હાલ જેલમાં છે.

કૌભાંડ અને છેતરપિંડીના મજબૂત પુરાવા: ED
EDએ કોર્ટમાં કહ્યું કે, કૌભાંડ અને છેતરપિંડી થઈ હોવાના મજબૂત પુરાવા છે. ગોવાની ચૂંટણી માટે ભંડોળ ઊભું કરવા માટે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રોસિક્યુશન કેસનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતોની તપાસ કરી અને મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો. ઇડીએ વધુમાં કહ્યું કે, આપણે આ મામલાના ઉંડે સુધી જવું પડશે.