November 23, 2024

કેજરીવાલ કરશે ગુજરાતની મુલાકાત, જેલમાં પાર્ટીના ધારાસભ્યને મળશે

પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને શ્રી ગણેશ કરવા માટે AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની મુલાકાતે આવશે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના 14 મહિના બાદ અરવિંદ કેજરીવાલ રાજ્યની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન કેજરીવાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા નેતાઓ સાથે રણનીતિ બનાવશે અને 2024ની તૈયારીઓનું રણશિંગુ ફૂંકશે. કેજરીવાલ તેમની મુલાકાત દરમિયાન એક વિશાળ જનસભાને સંબોધશે. આ પહેલા તેમણે 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો છેલ્લો કાર્યક્રમ યોજાયો હતો. કેજરીવાલ વડોદરા પહોંચશે અને ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા કરશે. સુત્રો દ્વારા માહિતી મળી હતી કે કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે, પરંતુ કાર્યકાર્મમાં ફેરફાર થયો અને હવે કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે અને બીજા દિવસે 8 જાન્યુઆરીએ દિલ્હી જવા રવાના થશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રેલીમાં હાજર
આમ આદમી પાર્ટીના રાજ્ય સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાના જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલ આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા કરશે. ભરૂચમાં જાહેર સભા બાદ વડોદરામાં 2024 લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરશે. 7 જાન્યુઆરીએ રેલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે. ભગવંત માન તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન કેજરીવાલની સાથે જ રહેશે. વધુમાં સોરઠીયાએ જણાવ્યું કે રેલી બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 7 વાગ્યે લોકસભા મતવિસ્તારના નેતાઓ સાથે ચૂંટણી સમીક્ષા બેઠક કરશે. જોકે આ બેઠક વડોદરામાં જ યોજાશે.

બંને સીએમ ચૈતર વસાવાને જેલમાં મળશે
નેત્રંગની સભા બાદ અરવિંદ કેજરીવાલ વડોદરામાં જ રોકાશે. વડોદરામાં કેજરીવાલ પાર્ટીના નેતાઓ સાથે બેઠકો કરશે. આ બેઠકમાં ભગવંત માન પણ હાજર રહેશે. બંને નેતાઓ 8 જાન્યુઆરીએ સવારે રાજપીપળા જવા રવાના થશે અને આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મળશે. ઉલ્લેખનીય છે કે વનકર્મીઓને ધમકાવવા અને ગોળીબાર કરવાના કેસમાં જે ચૈતર વસાવા હાલ જેલમાં છે. બંને મુખ્યમંત્રી ચૈતર વસાવાને મળ્યા બાદ વડોદરા પરત ફરશે અને પછી દિલ્હી જવા રવાના થશે.