March 26, 2025

પોરબંદરમાં સતત બીજે દિવસે ડીમોલેશનની કામગીરી યથાવત

Demolition: ભગવાન પરશુરામ માર્ગ પરની ફૂટપાથ ઉપર દીવાલો ચણનારા આસામીઓના આંગણે મહાનગરપાલિકાએ કામગીરી કરી છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા મનપાએ કમર કસી પોરબંદરમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી ધમધમી હતી. જેમાં ભગવાન પરશુરામ માર્ગ પરની ફૂટપાથ ઉપર ગેરકાયદેસર દીવાલો ચણીને ફળિયા બનાવનારા આસામીઓ સામે મહાનગરપાલિકાએ ડીમોલીશનની કામગીરી કરી હતી.

ડીમોલેશનની કામગીરી હાથ ધરી
પોરબંદર મહાનગરપાલિકાએ ખાપટ વિસ્તારના દબાણો દૂર કર્યા બાદ હવે શહેર મધ્યે ભાજપ કાર્યાલયની સામે કવાયત હાથ ધરી છે. જેમાં ભગવાન પરશુરામ માર્ગ ઉપર ઘણા વર્ષોથી ફૂટપાથ ઉપર લોકોએ તેમના મકાનની બહાર દીવાલો બનાવીને ફળિયા બનાવી નાખ્યા હતા. એટલું જ નહી અમુક -જગયાએ તો છાપરા બાંધીને દુકાનો ખડકી દીધી હતી. અગાઉ અનેક વખત નોટીસો આપવામાં આવી હોવા છતાં દબાણકારોએ દબાણ ખુલ્લા કર્યા ન હતા. તેથી અંતે મહાનગરપાલિકાએ જેસીબી સહિત પોલીસ કાફલા સાથે દીવાલો તોડી પાડવાની ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: હવસખોર પિતાએ દીકરી પર કુકર્મ કરતા પીડિતાએ આપ્યો દીકરીને જન્મ, નરાધમની પોલીસે કરી ધરપકડ

ડીમોલેશનની કામગીરી ચાલુ રહેશે
મહાનગરપાલિકાના એન્જીનીયર વિનોદભાઈ બથીયાએ જણાવ્યુ હતું કે અગાઉ અનેક વખત સુચના આપી હોવા છતાં સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા નહિં. તેથી અમને મળેલા આદેશ પ્રમાણે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હજુ આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી ચાલુ રહેશે. જેથી દબાણકારો સ્વેચ્છાએ તેમના દબાણ દૂર કરી આપે તે જરૂરી બન્યું છે. કારણ કે અગાઉ અનેકવખત લેખિત નોટીસો આપવા છતાં આવા બાંધકામો દૂર કર્યા નથી. ફૂટપાથ લોકોને ચાલવા માટે હોય છે. પરંતુ ત્યાં આ રીતે બાંધકામ ખડકી દેવામાં આવે તે અયોગ્ય છે. તેમ જણાવીને આ મુદ્દે લોકો દબાણ દૂર કરી લે નહીંતર મહાનગરપાલિકાનું તંત્ર કડક કાર્યવાહી કરશે.