PM મોદીના દૂત અજિત ડોભાલનો કમાલ! રશિયા-યુક્રેન જંગમાં શુભ સંકેત, દુનિયા આશ્ચર્યચકિત
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવાના પીએમ નરેન્દ્ર મોદીના પ્રયાસો હવે ફળ આપતા જણાય છે. છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં પહેલીવાર બંને દેશોએ એકબીજા પ્રત્યે થોડી ઉદારતા દાખવી છે. રશિયા અને યુક્રેને પ્રથમ વખત યુદ્ધ કેદીઓની આપ-લે કરી છે. જેમાં બંને પક્ષોએ 103 લોકોને મુક્ત કર્યા છે. ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સે શનિવારે અહેવાલ આપ્યો હતો કે જે રશિયન સૈનિકોની અદલાબદલી કરવામાં આવી હતી. તેમને રશિયાના કુર્સ્ક વિસ્તારમાં બંધક બનાવવામાં આવ્યા હતા. ગયા મહિને યુક્રેનની સેનાએ તેની પ્રથમ મોટી ઘૂસણખોરીમાં રશિયાના વિસ્તાર પર કબજો કર્યો હતો.
નોંધનીય છે કે, તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે ગયા હતા. તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળ્યા. આ પહેલા પીએમ મોદીએ મોસ્કોની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તાજેતરમાં જ ભારતના NSA અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે રૂબરૂ વાત કરી હતી. પુતિન પહેલા જ કહી ચુક્યા છે કે, તેઓ યુદ્ધ ખતમ કરવા માટે વાટાઘાટોમાં ભારતના દૃષ્ટિકોણને સ્વીકારવા તૈયાર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ ભારતને તેના પ્રભાવનો ઉપયોગ કરીને રશિયાને યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજાવવા કહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની આપ-લે અંગેની આ સમજૂતી પહેલા બંને પક્ષો વચ્ચે યુદ્ધની જોરશોરથી તૈયારીઓ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. યુક્રેને પશ્ચિમી દેશોને રશિયામાં ઊંડે સુધી હુમલો કરવાની પરવાનગી માટે નવી અપીલ કરી છે. જ્યારે એક દિવસ પહેલા અમેરિકન અને બ્રિટિશ નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં લાંબા અંતરના શસ્ત્રોના ઉપયોગ અંગે તેમની નીતિમાં કોઈ સ્પષ્ટ ફેરફાર થયો ન હતો. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર એન્ડ્રી યર્માકે શનિવારે જણાવ્યું હતું કે, રશિયન આતંકવાદ રશિયન ફેડરેશનની અંદર હથિયારોના ડેપો, એરપોર્ટ અને લશ્કરી થાણાઓમાંથી ઉદ્ભવે છે.
યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો વધુ તીવ્ર બન્યાં
તેમણે કહ્યું કે, રશિયામાં હુમલાને મંજૂરી આપીને યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં ઝડપી પ્રગતિ કરી શકાય છે. એક રિપોર્ટ અનુસાર, કિવે કહ્યું કે રશિયાએ યુક્રેનમાં રાતોરાત વધુ ડ્રોન અને આર્ટિલરી હુમલા કર્યા છે. ત્યારબાદ આ નવી અપીલ કરવામાં આવી હતી. યુક્રેનના અધિકારીઓએ વારંવાર તેમના સાથી દેશોને રશિયન પ્રદેશની અંદર ઊંડે સુધીના લક્ષ્યો પર હુમલો કરવા માટે પશ્ચિમી દેશો પાસેથી મેળવેલા લાંબા-અંતરના શસ્ત્રોના ઉપયોગને મંજૂરી આપવા માટે વારંવાર હાકલ કરી છે. અત્યાર સુધી અમેરિકાએ કિવને અમેરિકા દ્વારા આપવામાં આવેલા હથિયારોનો ઉપયોગ યુક્રેન સાથેની રશિયાની સરહદમાં મર્યાદિત વિસ્તારોમાં જ કરવાની મંજૂરી આપી છે.