December 8, 2024

Gujaratમાંથી આ ચાર સાંસદ મંત્રીપદના શપથ લેશે, શાહ-માંડવિયા રિપિટ

અમદાવાદઃ ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળી શકે છે. ત્યારે હાલ ગુજરાતના કુલ ચાર સાંસદોને હાઇકમાન્ડમાંથી ફોન આવી ચૂક્યા છે. તેમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા, નવસારીના સાંસદ સીઆર પાટીલ અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાને સ્થાન આપવામાં આવ્યું છે.

અમિત શાહ
અમિત શાહ મોદી કેબિનેટ 2.0માં ગૃહમંત્રીનું પદ સંભાળતા હતા. ત્યારે આ વખતે પણ જંગી બહુમતી સાથે ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમણે વિજય મેળવ્યો છે. ત્યારે હવે ફરી એકવાર તેમને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળશે. હાલ અટકળો ચાલી રહી છે કે, તેમની વધુ એકવાર કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે.

આ પણ વાંચોઃ BJPના સિનિયર નેતા સહિત સાથી પક્ષમાંથી એક-એક વ્યક્તિ શપથ લેશે

મનસુખ માંડવિયા
પોરબંદરથી ચૂંટાયેલા સાંસદ મનસુખ માંડવિયા પણ મોદી કેબિનેટ 3.0માં મંત્રી બનશે. મહત્વનું છે કે, મોદી કેબિનેટ 2.0માં પણ તેમણે આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. પરંતુ તે સમયે તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. જ્યારે હવે તેઓ પોરબંદરથી લોકસભા સાંસદ છે. મોદી કેબિનેટ 3.0માં પણ તેમને મહત્વની જવાબદારો સોંપવામાં આવશે તેવી ચર્ચા ચાલુ છે.

સીઆર પાટીલ
નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ સીઆર પાટીલને કેન્દ્રમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેઓ હાલ ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ છે. ત્યારે હવે ગુજરાતમાં પણ નવાજૂની થાય તેવા એંધાણ છે. આ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. સીઆર પાટીલને કેન્દ્રમાં લઈ જવાથી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જગ્યા ખાલી થશે અને નવા ચહેરાને જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીનાં નામે અનેક રેકોર્ડ્સ, શપથ લીધા પછી રચાશે નવો ઇતિહાસ

નિમુબેન બાંભણિયા
પહેલી વખત લોકસભા ચૂંટણી લડીને સંસદમાં પહોંચેલા ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સાંસદ મનસુખ માંડવિયા પણ ભાવનગરથી છે અને નિમુબેન હાલ ભાવનગરના સાંસદ છે. ત્યારે એક જ જિલ્લામાંથી બે કેન્દ્રીય મંત્રી બને તેવી આ પહેલી ઘટના હશે. તેમને પણ મોદી કેબિનેટ 3.0માં મહત્વની જવાબદારી સોંપવામાં આવે ચર્ચા હાલ ચાલુ છે.

આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ
ત્રીજીવાર વડાપ્રધાન બનનારા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી તેઓ બીજા અને પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. મોદીની સાથે મંત્રી પરિષદના સભ્યો પણ શપથ લેશે. સાત રાષ્ટ્રોના સરકારના વડાઓ, અનેક દેશોના રાજદૂતો-ઉચ્ચાયુક્તો, દેશના વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ સહિત લગભગ આઠ હજાર લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.