December 13, 2024

થિનરનું બેરલ જમીન પર પડતાં બ્લાસ્ટ થયો, ફર્નિચર-પ્લાસ્ટિકનું ગોડાઉન ભડકે બળ્યું

નવસારીઃ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવસર ગામે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી થિનર કેમિકલ ભરેલા બેરલ ટ્રકમાં ચઢાવવા જતા હતા. તે સમયે થિનર કેમિકલનું બેરલ જમીન પર પડ્યું હતું અને જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાને કારણે બાજુમાં ફર્નિચર અને પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી ત્યાં આગ પ્રસરી હતી. આગ લાગતા ટ્રકનો ડ્રાઇવર, મજૂરો, ગોડાઉન મેનેજર સહિત 8 લોકો ફસાયા હતા.

થિનરના બેરલ્સમાં બ્લાસ્ટ થવાથી ભાગતા મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઘટનાસ્થળે જ જીવતા ભડથું થઈ ગયા હતા. હાલ ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ નવસારી ફાયરવિભાગે ફાયરકોલ જાહેર કર્યો હતો. તેને પગલે બીલીમોરા, ગણદેવી અને નવસારીના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર જોરદાર પાણીનો મારો ચલાવીને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કર્યા હતા. આખરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ગણદેવી મામલતદાર, ચીખલી પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચીખલી ડીવાયએસપી નવસારી એલસીબી સહિત સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આગની ઘટનામાં મોતને ભેટેલા ત્રણમાંથી બે વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. જેમાં ક્રમશઃ ગોડાઉન મેનેજર અનુપ કુમાર અને મજૂર નિલેશ રાઠોડની ઓળખ થઈ ગઈ છે. આ ઉપરાંત ટ્રક ડ્રાઇવર જીતેન્દ્રસિંહ અને હેમંત બાજેગર ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ આગની ઘટનામાં હજુ બે લોકો લાપતા છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. મૃતકોને સહાય અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે એવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.