July 25, 2024

પાન, માવા, ગુટકા ખાવાનું બંધ નહીં કરો તો કેન્સર બનશે શરીરનું મહેમાન

પોરબંદરઃ જિલ્લામાંથી દરરોજ 10 વ્યક્તિઓ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે જાય છે. પોરબંદર પંથકમાં પાન, માવા, ગુટકા, સિગરેટ-દારૂના વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. યુવાનો પણ નાની ઉમરથી જ પાન, માવા, ગુટકા, સિગરેટ-દારૂના વ્યસનને કારણે કેન્સર જેવા રોગનો ભોગ બને છે. આ ચિંતાનો વિષય છે. દેશના ભાવિ એવા યુવાનો વ્યસનને લીધે કેન્સર જેવી બીમારીમાં સંપડાયને મોતને ભેટે છે. ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે આ અંગે મહત્વના સૂચનો કર્યા છે.

પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને સૂચન કરતા જણાવ્યું છે કે, વધતું જતું વ્યસનનું પ્રમાણ કેન્સર જેવા રોગને નોતરે છે. જેમાં યુવાપેઢી પણ બરબાદ થઈ રહી છે. કેન્સરને લીધે આર્થિક-સામાજિક અને શારીરિક નુકસાન પરિવારે ભોગ બનવું પડે છે. પોરબંદરથી સરેરાશ દરરોજ 10 લોકો અમદાવાદની કેન્સર હોસ્પિટલે સારવાર અર્થે જતા હોય છે. જે પોરબંદરવાસીઓ માટે પડકારજનક છે.

કેન્સરના લક્ષણો

  • સ્તન અથવા શરીરના અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો થઈ જવો. નવા તલ કે મસા થવાં. જે તલ કે મસા શરીર પર હોય તેમાં બદલાવ આવવો. ગળું બેસી જવું અથવા કફ થવો કે જે મટતો ન હોય. સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ આવવો.
  • જમ્યા પછી અસ્વસ્થતા લાગવી.ખોરાક ગળેથી નીચે ઉતારવામાં ખૂબ તકલીફ થવી. કોઇપણ જાતના કારણ વગર શરીરનું વધવું અથવા ઘટવું. અસામાન્યપણે લોહીનું પડવું/સ્ત્રાવ નીકળવો.
  • ખૂબ જ નબળાઈ લાગવી કે થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે શરૂઆતના કેન્સરમાં દુઃખાવો થતો નથી. જો તમને તેના લક્ષણો દેખાતા હોય તો તેનો દુઃખાવો થવાની રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

લેબોરેટરી તપાસ
લોહી, પેશાબ અને અન્ય ફ્લૂઇડની તપાસથી ડોકટરને તેનું નિદાન કરવું સહેલું થઈ જાય છે. આ તપાસથી ખબર પડે છે કે જે તે અંગ કેટલી સારી રીતે કામ કરે છે? વળી, અમુક દ્રવ્યનું વધારે પડતું પ્રમાણ કેન્સરની નિશાની છે. આવા દ્રવ્યોને મોટેભાગે ગાંઠનું નિર્માણ કહેનારા કહેવામાં આવે છે. તેમ છતાં લેબોરેટરી તપાસમાં આવતાં એબનોર્મલ પરિણામોએ કેન્સર હોવાની ચોકકસ નિશાનીરૂપ હોતા નથી. કેન્સરનું નિદાન કરતી વખતે ડોકટર માત્ર લેબોરેટરી તપાસના પરિણામોને જ ધ્યાનમાં નથી રાખતાં.

ફોટા કે એકસ- રે ને લગતી પ્રકિયાઓ

શરીરના અંદરના ભાગનો ફોટો લેવામાં આવે છે. જેનાથી ડોક્ટરને એ જોવામાં સરળતા રહે છે કે વ્યકિતના શરીરમાં ગાંઠ છે કે નહીં. આવા ફોટા કાઢવાની ઘણી રીત છે.

  • એકસ-રે – શરીરના અંગો અને હાડકાંને જોવાની એકસ- રે અતિસામાન્ય પધ્ધતિ છે.
  • સીટી સ્કેન – આ એકસ-રે મશીન કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે. જે શરીરના અંદરના ભાગોના ક્રમવાર ઘણા બધાં વિગતવાર ફોટાઓ ડાઇ જેવા મટિરિયલ પર આપે છે. તેનાથી આ ફોટા જોવામાં અને સમજવામાં સરળતા રહે છે.
  • રેડિયોન્યૂકલાઇડ સ્કેન – આ પ્રકારનો સ્કેન વ્યકિતને થોડા રેડિયોએકિટવ મટિરિયલનું ઇંજેકશન આપીને કરી શકાય છે. આ લોહીના પ્રવાહ સાથે વહે છે અને કેટલાંક હાડકાં અને અંગોમાં સંઘરાય છે. સ્કેનર નામનું મશીન રેડિયોએકિટવિટીની તપાસ કરે છે અને તેને માપે છે. સ્કેનર શરીરની અંદરના હાડકાં અને અંગોના ચિત્ર કોમ્પ્યુટરના પડદા કે ફિલ્મ પર સર્જે છે. શરીરને આવા રેડિયોએકિટવ પદાર્થથી તરત જ મુકિત મળે છે.
  • અલ્ટ્રાસાઉન્ડ – અલ્ટ્રાસાઉન્ડ સાધન અવાજના તરંગો બહાર મોકલે છે. જે લોકો સાંભળી શકતાં નથી. આ તરંગો તમારા શરીરમાંના ટીસ્યૂઓ પર પડઘાંની જેમ અથડાય છે. કોમ્પ્યુટર આ તરંગોનો ઉપયોગ સોનોગ્રામ કહેવાતા ચિત્ર બનાવવા માટે કરે છે.
  • એમ.આર.આઇ – કોમ્પ્યુટર સાથે જોડાયેલા મજબુત મેગ્નેટ-લોહચુંબકનો ઉપયોગ શરીરના ભાગોના વિગતવાર ચિત્ર બનાવવા માટે કરે છે. ડોક્ટર આવા ચિત્રને કોમ્પ્યુટરના મોનિટર પર જુએ છે અને ફિલ્મ પર તેની પ્રિન્ટ લે છે.
  • પેટસ્કેન – થોડા રેડિયોએકિટવ મટિરિયલ્સનું ઇંજેકશન આપ્યા પછી મશીન શરીરમાં થતી કેમિકલ્સની હિલચાલ બતાવતાં ચિત્ર બનાવે છે. જે સક્રિય હિલચાલવાળા શરીરના ભાગોમાં કેન્સરના કોષો દેખાડે છે.

મોટાભાગના કેસમાં ડોક્ટરને કેન્સરના નિદાન માટે બાયોપ્સી કરવાની જરૂર પડે છે. આવી બાયોપ્સી કરવા માટે ઓળખાયેલી ગાંઠના ટીસ્યૂના નમૂનો લઈ લેબોરેટરીમાં તેની તપાસ માટે મોલવામાં આવે છે. પેથોલોજિસ્ટ તે ટીસ્યૂને માઇક્રોસ્કોપની નીચે મૂકીને જુએ છે.

બાયોપ્સી – ગાંઠના ટીસ્યુનો નમૂનો શરીરમાંથી કાઢવા ડોક્ટર સોયની મદદથી ટીસ્યૂ કે ફ્લૂઇજ ખેંચી કાઢે છે. શરીરમાંના ભાગોને જોવા માટે ડોકટર એક પાતળી, લાઇટવાળી ટયુબનો એન્ડોસ્કોપનો ઉપયોગ કરે છે. સર્જરી એક્સસાઇઝન કે ઇનસિઝન હોઇ શકે. એક્સસાઇઝન બાયોપ્સીમાં સર્જન ડોકટર આખી ગાંઠને ઓપરેશન કરી કાઢી નાંખે છે. કેટલીકવાર ગાંઠની આજુબાજુના સામાન્ય ટીસ્યૂને પણ કાઢી નાંખે છે. ઇનસિઝન બાયોપ્સીમાં સર્જન ડોકટર માત્ર ગાંઠનો અમુક ભાગ જ કાઢી નાંખે છે. જો તેના લક્ષણો કે સ્ક્રીન ટેસ્ટમાં કેન્સર હોવાનું સૂચવવામાં આવ્યું હોય તો ડોકટરે એ શોધી નાખવું પડે કે તે કેન્સરના કારણે અથવા અન્ય કોઇ કારણોસર થયું છે?

વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, એક તો મોઢાનું કેન્સર વ્યસનને લીધે તો થાય જ છે. પરંતુ મોઢાની યોગ્ય સફાઈ કરવામાં ન આવે તો પણ કેન્સર થઇ શકે છે. જેથી નિયમિતપણે આપણે દાંતના ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ. જંકફૂડના અમુક કેમિકલવાળા સોસ પણ કેન્સર જેવા રોગોને જન્મ આપે છે. જે વ્યક્તિને કેન્સર થયું છે તે વ્યક્તિ હકારાત્મક અભિગમ દાખવે તો કેન્સર જેવી બીમારીને પણ હરાવી શકે તેમ છે. કેન્સર એટલે કેન્સલ નહીં પણ હકારાત્મક રહી તકેદારી સાથે સારવાર કરાવવામાં આવે તો કેન્સરના દર્દી પણ સ્વસ્થ જીવન જીવી શકે છે. જે કેન્સરના અંતિમ ચરણમાં છે તેવા લોકોના જિંદગીના અંતિમ દિવસોમાં દુખી થવાને બદલે તેની સાથે હસતા રહો અને ખુશી-ખુશી તેમના અંતિમ દિવસો વિતાવવા જોઈએ જેથી એ વ્યક્તિ પણ દુઃખી થઇને ન જાય.

વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે, અમદાવાદની એક સાંગુ પટેલ નામની મહિલાના પતિ કેન્સરના દર્દી હતા. તેને ખુશ રાખવા માટે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક કોમેડી રીલ્સ બનાવી તેમના પતિના જિંદગીના અંતિમ દિવસો વિતાવતા હતા. એટલું જ નહીં, કેન્સર પીડિત દર્દીઓને પણ તેઓએ મદદ કરી હતી. કહેવાનો હેતુ એ છે કે, આવી મહિલાઓ સમાજ માટે પ્રેરણારૂપ છે. દર્દી સામે દુઃખ વ્યક્ત કરી દુખી થવા કરતા તેને હસતા હસતા વિદાય આપવાથી તેની પીડા પણ તે થોડી ક્ષણ માટે ભૂલી જશે હકારાત્મક અભિગમ જીવનમાં આવી જીવલેણ બિમારીથી પણ લોકોને બચાવી શકે છે.તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું.