રાજકોટ-જેતપુર વચ્ચેનું પીઠડીયા ટોલનાકુ બંધ કરવા સ્થાનિકો મેદાને, ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટઃ જિલ્લામાં પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક વાહનોનો ટોલ 10 રૂપિયામાંથી 20 રૂપિયા કરી દેવાતા જેતપુરની સંસ્થા લાલઘૂમ થઈ છે. આ મામલે ભાવવધારો પરત ખેંચવા માટે બે દિવસ પહેલાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પરંતુ પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે હવે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
જેતપુરમાં કાગવડ ખોડલધામ, ગણેશ મંદિર ટોલ નજીક આવેલા હોવાથી જેતપુરના વાહનચાલકોને 20 રૂપિયાનો ટોલ કપાવી દર્શન કરવા જવું પડી રહ્યું છે. ત્યારે નિયમ મુજબ 60 કિલોમીટરમાં એક જ ટોલનાકું હોવું જોઈએ. ત્યારે રાજકોટથી જેતપુર વચ્ચે બે-બે ટોલનાકા આવેલા છે. ત્યારે પીઠડીયા ટોલબુથ બંધ કરાવવા માટે સ્થાનિકો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.
પીઠડીયા ટોલ ઉપર સ્થાનિક ટોલમાં દસ રૂપિયાનો વધારો કરી દેવાતા વાહનચાલકો અને જેતપુરની વિવિધ સંસ્થા જેતપુર ડાઇન્ગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએસન, ચેમ્બર ઓફ કોમર્સ, પીઠડીયા ગ્રામ પંચાયત મેદાને છે. આવેદનપત્ર આપી વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.