December 8, 2024

સાબરકાંઠામાં ભારે વરસાદ; ઇડર, તલોદ અને પ્રાંતિજમાં ભૂક્કા બોલાવ્યાં

Sabarkantha Heavy Rain

Sabarkantha Heavy Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે ઈડર પાસેથી પસાર થતી ભેંસકા નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં વધુ વરસાદને લઈને જવાનગઢ ગામની નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણી આવવાને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. રાતના અવિરત વરસાદને કારણે ઠેર ઠેર નદી નાળામાં પાણીની આવક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે.

બીજી તરફ, તલોદમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. તલોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોનાં ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. રાતે અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ ઉપરાંત જિલ્લાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે. તલોદમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વક્તાપુર ગામમાં નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. ત્યારે તલોદમાં રેલવે સ્ટેશન વિસ્તાર, નવીન બની રહેલા રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાતા લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે.