December 13, 2024

ઓડિશામાં અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહેલા ભજન મંડળીના 7 સભ્યોના રોડ અકસ્માતમાં મોત

Road accident: ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં શનિવારે સવારે ધુમ્મસના કારણે ટ્રેલર અથડાતા ભજન મંડળના ઓછામાં ઓછા સાત સભ્યોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુંદરગઢ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ભજન મંડળીના ગાયકો શનિવારે સવારે અંતિમ સંસ્કારમાં ભાગ લઈને પોતપોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે પાછળથી ઉભેલા ટ્રેલરને ટક્કર મારી દીધી, જેના કારણે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક અન્ય વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ પહેલા સુંદરગઢના કંદધુડા અને સમરપિંડા ગામની ભજન મંડળી છત્તીસગઢના ચકબહાલમાં શ્રાદ્ધ વિધિ માટે ગઈ હતી અને બધા મારુતિ વાનમાં પરત ફરી રહ્યા હતા.

ઘટના અંગે માહિતી આપતા દક્ષિણ પશ્ચિમ રેન્જના ડીઆઈજી બ્રિજેશ રાયે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. તેઓ મારુતિ વાનમાં મુસાફરી કરી રહ્યા હતા જે MCL-ટોપરિયા રોડ પર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઇવર સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હેમગીરની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ડ્રાઈવર ભજન મંડળીને તેના પિતાના શ્રાદ્ધ સમારોહમાં લઈ ગયા હતા.”

હાલ મૃતકોની ઓળખ થઈ નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એવી આશંકા છે કે આ વિસ્તારમાં ધુમ્મસને કારણે દ્રષ્ટિ ઓછી હતી અને વાન ચાલક ટ્રેલરને જોઈ શક્યો ન હતો જેના કારણે ટક્કર થઈ હતી.