November 24, 2024

લોકોની જમીન બરોબર વેચી મારતા ગઠિયાને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ

અમિત રૂપાપરા, સુરત: જમીનના બનાવટી ડોક્યુમેન્ટના આધારે લોકોને ખોટી રીતે જમીનનું વેચાણ કરી લોકો પાસેથી પૈસા પડાવતા ઈસમની સુરત ક્રાઈમ બ્રાન્ચના ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ વિપુલ ઉર્ફે બંટી હોવાનું સામે આવ્યું છે અને તે ઉધના રૂસ્તમપુરા વિસ્તારનો રહેવાથી છે. આરોપીએ જમીનના બોગસ દસ્તાવેજો બનાવે ડોક્ટર સાથે 4 કરોડ 89 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર પરાગ પરીખ દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ડોક્ટર દ્વારા વિપુલ ઉર્ફે બંટી ટેણી નામના ઈસમ સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડોક્ટરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી વિપુલ ઉર્ફે બંટી તેના હોસ્પિટલ પર અવારનવાર આવતો હોવાના કારણે બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને આરોપી વિપુલ એ પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું અને પોતે ગુજરાતી મુવીમાં કામકાજ કરે છે તેવું પણ તેને જણાવ્યું હતું. આ ઉપરાંત ખટોદરા સોમા કાનજીની વાડીમાં લીવીંગ વેલ હેલ્થ ક્લબના નામે તેનું જીમ ચાલતું હોવાનું જણાવીને આરોપી વિપુલે ડોક્ટર પરાગને પોતાના વિશ્વાસમાં લીધા હતા.

ડોક્ટર પરાગ અને આરોપી વિપુલ બંને વચ્ચે સારી મિત્રતા કેળવાયા બાદ વિપુલ એ ડોક્ટરને જમીન મિલકતમાં રોકાણ કરવાથી સારો ફાયદો મળશે તેવું જણાવ્યું હતું અને સહ આરોપી હસમુખ સાથે મળીને કાવતરું રચી મગદલાની સહ આરોપી હસમુખની મદદથી જે જમીન અસ્તિત્વમાં હતી જ નહીં તે જમીનનો ઇન્ડેક્સ કોપી જીગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટના નામે બનાવી હતી. ત્યારબાદ આ કોપીની નકલો ડોક્ટરને કાપી હતી અને જમીનના અવેજ પેટે ડોક્ટર પાસેથી 4 કરોડ 89 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચો: તિરૂપતિ મંદિરના પ્રસાદમાં જાનવરની ચરબીનો ઉપયોગ,લેબ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

ત્યારબાદ સમજૂતી કરાર પછી પણ પૈસા ડોક્ટરને મળ્યા ન હતા અને અંતે ડોક્ટર ને પૈસા પરત ન આપવા માટે આરોપી દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હતી અને ડોક્ટરને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 18 સપ્ટેમ્બર 2024 ના રોજ વિપુલ ઉર્ફે બંટી ટેણીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એવી આશંકા છે કે આ ઈસમ દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી હોઈ શકે છે અને તેને લઈને પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.