સુરત મનપાના બે અધિકારીઓની મિલકતની તપાસ કરવા MLA વિનોદ મોરડીયાનો CMને પત્ર
અમિત રુપાપરા, સુરતઃ ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ પર વિજિલન્સ દ્વારા તેમની મિલકતો બાબતે તપાસ કરવામાં આવે તેવી માગણી કરતો પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા 900 કરોડથી વધારેના અંદાજે દોઢ વર્ષ પહેલા હજીરાથી જ ઔદ્યોગિક એકમોને ગટરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ કરી વેચવા બાબતેના પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, ટેન્ડરિંગ પ્રક્રિયા પછી આ કામની દરખાસ્ત 1600 કરોડથી વધારે થઈ હતી અને આ બાબત સુરત મનપા કમિશનરને ધ્યાનમાં આવતા જે તે વિભાગનો હવાલો સંભાળનાર ઇન્ચાર્જ એડિશનલ સીટી ઇજનેર કેતન દેસાઈ પાસેથી તમામ ખાતા લેવામાં આવ્યા હતા.
આ બાબતે અક્ષય પંડ્યા સુરત મનપાના સીટી ઇજનેર છે તેમની પણ ભૂમિકા સામે આવી હતી. ત્યારે આ બંને અધિકારીની આર્થિક સ્થિતિની તપાસની માગણી બાબતેની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચી છે.
સુરતના કતારગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને પાંડેસરા તેમજ સચિનના ઔદ્યોગિક એકમોને વેચવામાં આવે છે. તેનાથી સુરત મહાનગરપાલિકાને વર્ષે રૂપિયા 140 કરોડની આવક થાય છે.
તેમને આ પત્રમાં વધુમાં લખ્યું છે કે, આ જ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા હજીરા સ્થિત ઔદ્યોગિક એકમોને ગટરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને વેચવા માટેના પ્લાન્ટને સકારીત કરવા દોઢ વર્ષ પહેલાં સરકારના નવા SOR મુજબ 900 કરોડથી વધારે રૂપિયાના અંદાજ તૈયાર કરી મંજૂર કર્યા હતા. ટેન્ડર પ્રક્રિયા પછી આ કામની દરખાસ્ત જ્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી, ત્યારે આશરે 1600 કરોડથી વધારાની હતી. આ બાબત સુરત મહાનગરપાલિકાના કમિશનરને ધ્યાનમાં આવતા આ વિભાગનો હવાલો સંભાળનાર ઇન્ચાર્જ એડિશનલ સીટી ઇજનેર કેતન દેસાઈ પાસેથી તમામ ખાતા લઈ લેવામાં આવ્યા હતા. તેમની શિક્ષાત્મક રીતે બદલી કરી હતી પરંતુ આ ખાતાના મુખ્ય વડા સુરત મહાનગરપાલિકાના સીટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકા પણ આ દરખાસ્ત કરવામાં મહત્વની હતી.
આ પ્રોજેક્ટના અંદાજ મંજૂરીથી લઈને દરખાસ્ત સુધીમાં જે પ્રોજેક્ટની રકમમાં ખૂબ મોટો વધારો થયો છે. તેમાં કન્સલ્ટનની નિમણૂક બાબતે, ઉદ્યોગકારોને પાણી આપવાના ભાવ અને ટર્મ કન્ડિશન નક્કી કરવા બાબતે, ઓપરેશન અને મેનેજમેન્ટની કામગીરી બાબતે સુરત મહાન નગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવનાઓ હતી. આ સંદર્ભે આ બંને અધિકારી દ્વારા અગાઉ પણ કરોડોના પ્રોજેક્ટ તેમની રહેમનજર હેઠળ થયા હોય છે અને તેની આર્થિક સ્થિતિની પણ રાજ્ય સરકાર વિજિલન્સ દ્વારા તલસ્પર્શી તપાસ કરે અને દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી માગણી ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા કરવામાં આવી છે.