પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતાવિહોણી દીકરીનાં સમુહલગ્ન, CMએ કન્યાદાન કર્યું
અમિત રુપાપરા, સુરતઃ પીપી સવાણી પરિવાર દ્વારા સુરતમાં પિતાવિહોણી 111 દીકરીના સમૂહ લગ્ન પિયરયું સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી અને મુખ્યમંત્રીએ લગ્ન ઉત્સવમાં સહભાગી બની કન્યાદાન પણ કર્યું હતું. પિતાવિહોણી દીકરીઓને દાંપત્યજીવનની શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા.
સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામામાં પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કન્યાદાન કર્યું હતું અને પિતાવિહોણી દીકરીઓને દાંપત્ય જીવનની શુભેચ્છા તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા.
આ લગ્ન ઉત્સવમાં વિશ્વવિખ્યાત રામકથાકાર મોરારીબાપુ, વન પર્યાવરણ મંત્રી મુળુ બેરા, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 5274 દીકરીના પિતા બની ગયા છે. વર્ષ 2011થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા 16 વર્ષમાં લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતાવિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગમાં લેવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરે છે. જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર. તેમજ પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે.