December 13, 2024

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ આતંક યથાવત, ચટ્ટોગ્રામમાં ત્રણ મંદિરોમાં તોડફોડ

Bangladesh: બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં શુક્રવારે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ હુમલો બંદર શહેરના હરીશ ચંદ્ર મુનસેફ લેનમાં બપોરે 2:30 વાગ્યે થયો હતો અને શાંતેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબારી મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં મંદિરના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નારા લગાવતા સેંકડો લોકોના સમૂહે મંદિરો પર ઈંટો અને પથ્થરો ફેંક્યા હતા, જેના કારણે શનિ મંદિર અને અન્ય બે મંદિરોના દરવાજાને નુકસાન થયું હતું. કોતવાલી પોલીસ સ્ટેશનના વડા અબ્દુલ કરીમે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે હુમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કહ્યું કે મંદિરોને બહુ ઓછું નુકસાન થયું છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચ તો કૂતરો… મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાની જીભ લપસી

બાંગ્લાદેશમાં હિંસાની વધતી જતી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ભારતે શુક્રવારે કહ્યું કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના રક્ષણની જવાબદારી નિભાવવી જોઈએ. ભારતે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા હિંદુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ સાથે સંબંધિત કેસને ન્યાયી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.