November 23, 2024

SRPF જવાનનું હૃદયરોગના હુમલાથી મોત, બપોરે ઉંઘ્યા પછી ઉઠ્યા જ નહીં

Valsad Khergam kakadveri village srpf javan died due to heart attack

ઇન્સેટમાં મૃતક જવાનની ફાઇલ તસવીર

જિગર નાયક, નવસારી: રાજ્યમાં સતત હૃદયરોગના હુમલાની ઘટનાઓ બની રહી છે. જેમાં યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. એવામાં નવસારીમાં વધુ એક યુવક હૃદયરોગના હુમલાનો ભોગ બન્યો છે. વલસાડના કલગમમાં SRPF ગ્રુપ 14માં ફરજ બજાવતા SRPF જવાનને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેનું મૌત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, SRPF જવાન નોકરીમાંથી રજા લઈને ઘરે આવ્યો હતો. ત્યારે બપોરે ઉંઘમાં જ હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે. ખેરગામના કાકડવેરી ગામમાં રહેતા 37 વર્ષીય વિકી પટેલનું ગઈકાલે બપોરે ઉંઘમાં મોત નીપજ્યું છે. પત્નીએ જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જવાન ઉઠ્યા નહોતા અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે જવાનને મૃત ઘોષિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાનના 2 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનોમાં હૃદય રોગના હુમલાના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે સમાજમાં આ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.