November 21, 2024

જન્મદિવસે ઓનલાઇન ઓર્ડર કરેલો કેક ખાતા 10 વર્ષની બાળકીનું મોત

પંજાબ: પંજાબના પટિયાલામાં પોતાના જન્મદિવસ પર ઓનલાઇન ઓર્ડર કરેલો કેક ખાઈને 10 વર્ષીય છોકરી માનવીનું મોત નિપજ્યુ હતું. આ મામલે કાન્હા બેકરીના માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં માનવી મૃત્યુના થોડા કલાકો પહેલા પોતાના પરિવાર સાથે કેક કાપતી અને ઉજવણી કરતી નજર આવી રહી છે.

આ મામલે છોકરીના દાદાએ કહ્યું કે, 24 માર્ચના રોજ સાંજે 7 વાગ્યે તેનો જન્મદિવસ હતો. તે રાત્રે 10 વાગ્યાની આસપાસ આખો પરિવાર બીમાર પડી ગયો. ઘરની બંને નાની દીકરીઓને ઉલટીઓ થવા લાગી. સૌભાગ્યથી સૌથી નાની દીકરી ઉલટી કરવાના કારણે બચી ગઇ. જોકે માનવીની તબીયત બગડવાના કારણે તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. પરિવાર અનુસાર, ‘કેક કાન્હા’ બેકરીથી કેક ઓર્ડર કરવામાં આવ્યો હતો.

ફરિયાદ મળ્યા બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પરિવારે ઝોમેટો એપ દ્વારા કેક મંગાવ્યો હતો. કેક ખરિદવા માટે 352.80 રૂપિયા ખર્ચ કર્યા હતા. પરિવારે કહ્યું કે, બેકરીવાળાએ કોઇ ગડબડ કરી છે અને તેની તમામ પ્રોડક્ટની તપાસ કર્યા બાદ તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. હાલમાં મૃતક માનવીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ખુબ જ ખુશ દેખાઇ રહી છે. તે પોતે પણ કેક ખાઇ રહી છે અને પોતાના પરિવારના અન્ય સભ્યોને પણ કેક ખવરાવી રહી છે. કોને ખબર હતી કે આ કેક જ તેનો જીવ લઇ લેશે. માનવીની માતા કાજલે જણવ્યું કે, તે અભ્યાસમાં ખુબ જ હોશિયાર હતી. તે બે બહેનો હતી.