February 28, 2025

13 વર્ષ પહેલાં તૂટેલી સગાઈનો બદલો લેવા યુવતીએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો

અમદાવાદ: એક ચોંકાવનારી ઘટનામાં 13 વર્ષ પહેલાં તૂટેલી સગાઈનો બદલો લેવા માટે યુવતીએ પોતાના ભૂતપૂર્વ સગા પર જીવલેણ હુમલો કર્યો. શેલા વિસ્તારમાં થયેલી આ ઘટનાએ લોકોમાં ભય અને આશ્ચર્ય ફેલાવ્યું છે.

બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શેલાની રહેવાસી યુવતીએ કાર ચલાવી પાછળથી સ્કૂટર પર જતાં યુવકને ટક્કર મારી હતી. ટક્કરથી પડી ગયેલા યુવક પર છરીથી ત્રણવાર હુમલો કરવામાં આવ્યો હતો.

13 વર્ષ જૂની સગાઈ અને ઓબ્સેસિવ લવ
પ્રાપ્ત માહિતી મુજબ, 13 વર્ષ પહેલાં મહેસાણાના રહેવાસી સપના (બદલાયેલું નામ) અને અમદાવાદના નિવાસી નીરવ (બદલાયેલું નામ) વચ્ચે સગાઈ થઈ હતી, પરંતુ બે મહિનામાં જ મનમેળ ન જમતાં બંને પરિવારોએ સગાઈ તોડી નાખી. ત્યાર બાદ નીરવે સપનાથી સંપૂર્ણ સંપર્ક તોડી દીધો.

વર્ષો બાદ, 2024ની દિવાળીની આસપાસ સપનાએ ફરીથી નીરવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. અવાર-નવાર ફોન કોલ કરવા છતાં જ્યારે નીરવએ જવાબ આપ્યો નહીં અને તેનો નંબર બ્લોક કરી દીધો. ત્યારે સપનાએ જુદા-જુદા નંબરો દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

25 ફેબ્રુઆરીએ સવારે 11:30 વાગ્યે, જ્યારે નીરવ પોતાની સ્કૂટર પર શેલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સપનાએ કારથી પાછળથી ટક્કર મારી હતી. જેથી સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી પટકાયેલા નીરવ પર સપનાએ છરીથી પેટ, પીઠ અને પડખામાં ત્રણ ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા નીરવે જીવ બચાવવા રસ્તા પર દોડતો કોઈ વાહનચાલક પાસે લિફ્ટ લીધી અને અંતે હોસ્પિટલ પહોંચ્યો હતો.

ઘટનાની જાણ થતાં બોપલ પોલીસે તાત્કાલિક સપનાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી. પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.