November 25, 2024

કૃષિ મંત્રીના હસ્તે વંથલીમાં 19.59 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

જૂનાગઢ: આજે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જીલ્લાના વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી ખાતે રાજ્યના કૃષિ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 19.59 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. વંથલી ખાતે 99.50 લાખના ખર્ચે નવનિર્મિત અને આધુનિક સુવિધાથી સજજ પશુ દવાખાનાનું ગૌ પૂજન કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે 17.82 કરોડના માર્ગ અને મકાન પંચાયત તથા રાજ્ય, કેશોદ અને માંગરોળ નગરપાલિકા ઉપરાંત માણાવદર અને કેશોદના જળસંચય હેઠળના વિવિધ કાર્યો એમ કુલ 9 વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું, સાથે કેશોદ નગરપાલિકા દ્વારા 80 લાખના ખર્ચે નિર્મિત વિવિધ બાંધકામનું ઈ લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલી વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, કાર્યક્રમમાં પશુપાલકોને ઘાસચારાના બીજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું, કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, અરવિંદ લાડાણી, જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સહીતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સરપંચો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.