મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

Rekhta Gujarati program: મુંબઈમાં શહેરમાં પહેલીવાર રેખ્તા સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ યોજાયો હતો. રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી.
ભાષાસમૃદ્ધિ અને ગરિમાને વંદન કર્યાં
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા અને અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સંસદસભ્ય અને રિલાયન્સ ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર પરિમલ નથવાણી હતા. જાણીતાં અભિનેત્રી સરિતા જોશીએ ગુજરાતી ભાષાવૈભવને બિરદાવતી પંક્તિઓ રજૂ કરવા સાથે આપણી ભાષાસમૃદ્ધિ અને ગરિમાને વંદન કર્યાં હતા.
અતિથિઓનું સ્વાગત કર્યું
રેખ્તા ગુજરાતીનાં કાર્યોની મુક્ત કંઠે સરાહના કરી હતી. તેઓએ પુરુષોત્તમભાઈએ સ્વરબદ્ધ કરેલી અને લતા મંગેશકરે ગાયેલા ગીત, નહીં બોલું રેની પંક્તિઓ પણ રજૂ કરી હતી. રેખ્તા ફાઉન્ડેશનના સલાહકાર અને સંપાદક ઉદયન ઠક્કરે અતિથિઓનું સ્વાગત કર્યું હતું. યોગાનુંયોગે, મુંબઈમાં રેખ્તા ગુજરાતીના પ્રથમ કાર્યક્રમના દિવસે સ્વર્ગસ્થ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના અવસાનને એક મહિનો થયો હતો. તેઓને યાદ કરતાં સંસ્થાએ ઉત્સવ એમને સમર્પિત કર્યો હતો.
રેખ્તાના સ્થાપક સંજીવ સરાફે શું કહ્યું
રેખ્તાના સ્થાપક સંજીવ સરાફે વાત કરતાં જણાવ્યું હતું, “બાર વરસ પહેલાં અમે ઉર્દૂ ભાષા અને સાહિત્ય માટે રેખ્તાની શરૂઆત કરી હતી. આજે રેખ્તા ભાષાવિકાસ માટે આંદોલન બન્યું છે. આ સફળતાએ અમને પ્રોત્સાહિત કર્યા કે અન્ય ભારતીય ભાષાઓ માટે કાર્ય કરીએ. એથી અમે સૂફી પરંપરાની અને, હિન્દી અને રાજસ્થાની ભાષાની વેબસાઇટ કરી. રેખ્તા ગુજરાતી પણ આ દિશામાં જ એક પગલું છે. તુષારભાઈ મહેતાના ગુજરાતી ભાષા-સાહિત્યના લગાવ અને પ્રોત્સાહનને કારણે અમે શરૂઆત કરી શક્યા છીએ. અમારો પ્રયાસ છે કે અમે ગુજરાતી ભાષા-સાહિત્યને નગરેનગરે પહોંચાડીએ.
આ પણ વાંચો: કાશ્મીર પ્રવાસ પર PM મોદી, સોનમર્ગ ટનલનું કર્યું ઉદ્ઘાટન
ગીતોની પેશકશ કરવામાં આવી
કાર્યક્રમના પૂર્વાર્ધમાં એ પછી મુશાયરો યોજાયો હતો. એમાં રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, ભાવેશ ભટ્ટ, કૃષ્ણ દવે, હેમેન શાહ, સંજુ વાળા, મુકેશ જોશી અને હર્ષવી પટેલ જેવી પ્રતિભાઓએ પ્રેક્ષકોને ગઝલ-ગીતની અસરકારક રજૂઆતથી અભિભૂત કર્યા હતા. સર્જકોની ચૂંટેલી પંક્તિઓ આ અખબારી યાદીના અંતે આપી છે. મધ્યાંતર પછી પ્રફુલ દવે અને હાર્દિક દવેએ ગુજરાતી ગીત-સંગીતની રજૂઆતથી અલગ વિશ્વ સર્જ્યું હતું. એમાં જાણીતાં ગીતો સહિત ઓછાં જાણીતાં પણ અજરામર ગીતોની પેશકશ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્યકાર અંકિત ત્રિવેદીએ એમની આગવી શૈલીમાં કરીને કાર્યક્રમને આગવો આયામ આપ્યો હતો. રેખ્તા ગુજરાતીનો આગામી કાર્યક્રમ 19 જાન્યુઆરીએ ભાવનગરમાં યોજાશે.