September 8, 2024

સરદાર સરોવર ડેમમાંથી છોડાયું 2.45 લાખ ક્યુસેક પાણી, વધ્યું નર્મદા નદીનું જળસ્તર

ભરૂચ: છેલ્લા કેટલાય સમયથી સમગ્ર ગુજરાતમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે. જેને કારણે રાજ્યની લગભગ તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. તો, ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના ઉપરવાસમાં પણ થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં જળસ્તર સતત વધી રહ્યું છે. ત્યારે, નર્મદા નદીના વધતાં જળસ્તરને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને માહિતી આપી છે.

ભરૂચ જિલ્લા કલેક્ટરે નર્મદાની વધતી જળ સપાટીને લઈને ટ્વીટ કરતાં કહ્યું છે કે સરદાર સરોવર ડેમમાંથી હાલ 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. હાલ, નર્મદા નદીની સપાટી 20.13 ફૂટ પહોંચી છે. જ્યારે, નર્મદા નદીનું વોર્નિગ લેવલ 22 ફૂટ છે.

નર્મદા નદીનું જળસ્તર વોર્નિંગ લેવલ નજીક પહોંચતા લોકોને સતર્ક રહેવા પણ કહેવામાં આવ્યું છે. ટ્વિટ કરતાં ભરૂચ જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું છે કે હાલ સપાટી વોર્નિંગ લેવલથી નજીક હોવાથી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ, નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.