મહુધા નગરપાલિકાની 21 વર્ષીય યુવા સભ્ય પ્રથમ ચૂંટણીમાં જ બિનહરીફ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Mahudha.jpg)
યોગીન દરજી, ખેડા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નસીબ ચમકાવવા માટે ઘણા પ્રખર રાજકારણીઓ દોડાદોડ કરતા હોય છે. પાર્ટીમાંથી ટિકિટ મળે તો ઠીક બાકી ચૂંટણી જીતવા માટે અથાગ મહેનત અને લાખોનો ખર્ચ પણ કરતા હોય છે. પરંતુ ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકામાં 21 વર્ષની યુવતીનું નસીબ ચમક્યું છે. ફાતમા બાનું શબ્બીર હુસેન નામની આ યુવા પાલિકા સભ્યને ભારતીય જનતા પાર્ટીએ ના ફક્ત ટીકીટ આપી પરંતુ જીવનનું પ્રથમ ઇલેક્શન લડવા જઈ રહેલી આ દીકરી બિનહરીફ પણ બની છે.
ફાતમાનું કહેવું છે કે તેના પિતા છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેઓ પ્રજાના વિકાસલક્ષી કામો કરતા હતા. તે જોઈને જ તેને પણ રાજકારણમાં ઝંપલાવાની ઈચ્છા થઈ અને 21 વર્ષની ઉંમર થતાં જ તેણે પ્રથમવાર ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
મહુધા નગરપાલિકામાં આઠ જેટલા અપેક્ષાએ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના આઠ ઉમેદવારો બિનહરીફ થયા હતા, જેમાં ફાતમાબાનું એક છે. મહત્વની બાબત છે કે ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણી લડવા ઈચ્છુક કોઈપણ ઉમેદવાર 21 વર્ષની ઉંમરથી જ ચૂંટણી લડી શકે છે. ત્યારે પ્રથમવાર ઉમેદવારી ફોર્મ ભરનાર આ યુવા રાજકારણી હવે પ્રજા માટે કેવા કાર્યો કરે છે અને તેમના વિસ્તારમાં પ્રજાને કેવી સુખાકારી અપાવે છે તે જોવું રહ્યું.