October 8, 2024

32 વર્ષના પરિણીત લંપટે 17 વર્ષની સગીરાને પીંખી નાખી, સોલા પોલીસે કરી ધરપકડ

કાળા બુરખામાં આરોપી મુકેશ કુમાવત

મિહિર સોની, અમદાવાદ: સોલામાં 17 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં 32 વર્ષના પરિણીત વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હતું. આરોપી સગીરાને બ્લેકમેઇલ કરીને સતત શારીરિક શોષણ કર્યું હતું. સગીરાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: સાધુના વેશમાં લોકોનું વશીકરણ કરી લૂંટતો મદારી ઝડપાયો

મૂળ રાજસ્થાનના આ યુવકે 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. ઘટનાની વાત કરીએ તો સગીરાની સગાઈ થઈ ગઈ હતી અને તેનો મંગેતર અને આરોપી મુકેશ મિત્ર હતા. 17 વર્ષની સગીરાના મંગેતરનું સોલા વિસ્તારમાં ગોડાઉન આવેલું છે અને આ સગીર દીકરી ગોડાઉનમાં જમવાનું બનાવવા માટે જતી હતી, ત્યારે આરોપી મુકેશે એક દિવસ સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેના મંગેતરને જણાવી દેવાની ધમકી આપીને તેને બ્લેકમેઇલ કરીને અવાર નવાર શારીરિક શોષણ કરતો હતો. આરોપીના કરતૂતથી કંટાળીને સગીરાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

એ ડિવિઝનના એસીપીએ જણાવ્યું હતું કે, પકડેલા આરોપી મુકેશ કુમાવત ભાડજ વિસ્તારમાં રહે છે. 32 વર્ષનો મુકેશ પરિણીત છે અને 2 સંતાનનો પિતા પણ છે. આરોપી ભંગારનો ધંધો કરે છે. જેથી સગીરાના મંગેતરના સંપર્કમાં આવ્યો અને તેઓ મિત્ર બની ગયા હતા. સગીરા પર પોતાના મંગેતરને મળવા અને તેની માટે જમવાનું બનાવવા આવતી હતી. જેથી સગીરાની એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. 8 માર્ચથી સગીરાને બ્લેકમેલ કરીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સોલા પોલીસે દુષ્કર્મ અને ધમકી કેસમાં આરોપીની ધરપકડ કરીને સગીરા અને તેના પરિવારનું નિવેદન લીધું છે. આ ઉપરાંત સોલા પોલીસે આરોપી અને સગીરાનું મેડિકલ તપાસ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.