છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 33 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

33 Naxalites Surrendered: છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી જ્યારે 11 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 33 નક્સલવાદીઓએ તેમની સમક્ષ આત્મસમર્પણ કર્યું, જેમાંથી લગભગ અડધા એટલે કે 17 પર 49 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, 9 મહિલાઓ સહિત 22 નક્સલવાદીઓએ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ તેમના હથિયારો મૂક્યા, જ્યારે બાદમાં બે મહિલાઓ સહિત અન્ય 11 નક્સલવાદીઓએ પણ પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓ સુરક્ષા દળો પરના ઘણા હુમલાઓમાં પણ સામેલ હતા.

આ અંગે માહિતી આપતાં સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે, શસ્ત્રો મૂકનાર માઓવાદીઓમાં માડ ડિવિઝન હેઠળની PLGA (પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી) કંપની નંબર 1ના ડેપ્યુટી કમાન્ડર મુચાકી જોગા (33) અને તેમની પત્ની મુચાકી જોગી (28), જે તે જ ટુકડીના સભ્ય હતા, જેમના માથા પર 8 લાખ રૂપિયાનું ઇનામ હતું, તેનો સમાવેશ થાય છે. તેણે એ પણ જણાવ્યું કે અન્ય નક્સલવાદીઓમાં કિકીડ દેવે (30) અને મનોજ ઉર્ફે દુધી બુધરા (28)નો સમાવેશ થાય છે, જેઓ માઓવાદીઓની એરિયા કમિટીના સભ્યો છે અને જેમના પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા અન્ય સાત નક્સલીઓના માથા પર 2 લાખ રૂપિયાનું ઇનામ હતું, જ્યારે અન્ય એક નક્સલી પર 50,000 રૂપિયાનું ઇનામ હતું.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ માઓવાદીઓની પોકળ અને અમાનવીય વિચારધારા અને સ્થાનિક આદિવાસીઓ પરના તેમના અત્યાચારોથી મોહભંગ થવાને કારણે આવું કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારની નવી શરણાગતિ અને પુનર્વસન નીતિ ઉપરાંત તેઓ ‘નિયાદ નેલ્લાનાર’ (યોર ગુડ વિલેજ) યોજનાથી પણ પ્રભાવિત થયા છે, જેનો હેતુ અંતરિયાળ ગામડાઓમાં વિકાસ કાર્યને સરળ બનાવવાનો છે.