September 12, 2024

બિહારમાં નેશનલ હાઇવે પર બે ગાડીઓ વચ્ચે ભીષણ ટક્કર, 6ના મોત, 10 ગંભીર રીતે ઘાયલ

બિહાર: કિશનગંજમાં એક ગમખ્વાર રોડ એક્સિડન્ટમાં 5 જેટલા લોકોના મોત થઈ ગયા. આ દુર્ઘટના જિલ્લાના પૌખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં નેશનલ હાઈવે 327 E પર પેટભરી ચોક પાસે એક પુરપાટ ઝડપે જઈ રહેલી સ્કોર્પિયો અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં સ્કોર્પિયોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ચાર મહિલાઓની સાથે એક માસૂમ બાળક અને સ્કોર્પિયો ચાલક એમ કુલ 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. સ્થાનિકોએ જણાવ્યું કે પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે માસૂમ બાળકનું કિશનગંજ MGM મેડિકલ કોલેજ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 5 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સિલિગુડી જતાં રસ્તામાં થયો અકસ્માત
સ્થાનિક પોલીસનું કહેવું છે કે મૃતકો અરરિયા જિલ્લાના જોકીહાટના રહેવાસી હતા, જેઓ સિલીગુડી જઈ રહ્યા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને સ્કોર્પિયોમાં ફસાયેલા લોકોને કોઈક રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના અંગે નગર પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અહેમદ હુસૈને જણાવ્યું હતું કે તમામ મૃતકો એક જ પરિવારના છે અને નિર્દોષ બાળકો અચાનક નિરાધાર થઈ ગયા છે. ઘટના બાદ એસડીપીઓ મંગલેશ કુમાર સિંહ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.