September 8, 2024

એક અરજી થઈ અને બીલીમોરા પાણી પુરવઠા વિભાગનું રૂ. 9 કરોડનું કૌભાંડ બહાર આવ્યું

અમિત રૂપાપરા, સુરત: નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા 9 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. તે બાબતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઈજનેર જતિન પટેલ દ્વારા સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી હતી. શરૂઆતમાં ફરિયાદ પાંચ કરોડની થઈ હતી પરંતુ ત્યારબાદ તપાસમાં નવ કરોડનો આંકડો સામે આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે 14 આરોપી પૈકી કોન્ટ્રાક્ટરો સહિત 10 આરોપીઓની CID Crime દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

બિલ ચૂકવણી કરવાની એક અરજીથી આખું કૌભાંડ બહાર આવ્યું
16 જુલાઈ 2024ના રોજ સુરત ઝોન કચેરી ખાતે કાર્યપાલક ઇજને તરીકે ફરજ બજાવતા જતીનકુમાર પટેલ દ્વારા સીઆઈડી ક્રાઈમ સુરતને એક ફરિયાદ આપવામાં આવી હતી. એમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે 25 જુલાઈ 2023ના રોજ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નવસારીના કાર્યપાલક ઇજનેર આશા પટેલ દ્વારા જાહેર આરોગ્ય વર્તુળ વલસાડ કચેરીને પત્ર લખીને જણાવ્યું હતું કે એક્શન પ્લાન 20223 અન્વયે રજુ વિનેશન કાર્યક્રમ અંતર્ગત 34.29 કરોડની જોગવાઈ સામે 24 કરોડ ફંડ ફાળવવામાં આવ્યા હતા. જેની સામે જે તે વર્ષમાં 19 કરોડ 37 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક્શન પ્લાન 2023 અંતર્ગત મંજૂર થયેલી જુદી-જુદી પાણી પુરવઠાની યોજનાના કામોની ચુકવણી માટે એજન્સીના બિલો જાહેર આરોગ્ય વર્તુળ વલસાડ કચેરીને ચૂકવવા અર્થે માર્ચ 2023માં અરજી કરાઈ હતી. જો કે વર્ષ 2022-23માં ન થતા ફંડની માગણી થઈ શકી ન હતી અને બિલોની ચુકવણી બાકી રહી છે અને બિલ ચુકવણી કરવા માટે ફંડ ફાળવવા માટે વિનંતી કરવામાં આવી હતી. બસ આ અરજી બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

આ પણ વાંચો: શેરબજાર લાલ રંગમાં ખુલ્યું, નિફ્ટી 24,550 થી લપસી ગયો, સેન્સેક્સ પણ ધડામ

CID ક્રાઇમની કાર્યવાહી
નવ કરોડના કૌભાંડ બાબતે નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સહિત કુલ 10 લોકોની ધરપકડ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઈજનેર જતીનકુમાર મોહનભાઈ પટેલની ફરિયાદના આધારે સુરત CID ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓ સામે આક્ષેપ છે કે તમામે પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરીને કૌભાંડ આચારવામાં આવ્યું છે. આ ઉપરાંત કામ કર્યા વગર બોગસ બીલો મૂકીને સરકાર પાસેથી નવ કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી છે. CID ક્રાઈમ દ્વારા ક્લાસ વન અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સહિત જે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમને એસીબીના સ્પેશીયલ જજ આર આર ભટ્ટ સાહેબના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એટલે કે કોર્ટ દ્વારા 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધી આ તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 9 કરોડથી વધુ ના આ કૌભાંડમાં 14 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ સામે સીઆઈડી ક્રાઇમ દ્વારા IPCની કલમ 406, 409, 465, 467, 120 બી અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કયા કયા અધિકારીઓ અને એજન્સીઓએ મિલીભગતથી આ કૌભાંડ કર્યુ
જે અધિકારીઓ સામે ગુનો દાખલ થયો છે તેમાં દલપત પટેલ નિવૃત્ત કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નવસારી, શિલ્પા રાજ નાયબ કાર્યપાલક ઈજનેર વાસદા પેટા કચેરી, પાયલ એન બંસલ નાયબ કાર્યપાલક ઇજનેર બીલીમોરા પેટા કચેરી, કિરણ બી પટેલ અધિક મદદનીશ ઇજનેર નવસારી પેટા કચેરી, રાજેશકુમાર ઝા વિભાગીય હિસાબની વિભાગીય કચેરી, આર જી પટેલ સિનિયર ક્લાર્ક નવસારી વિભાગીય કચેરી અને જેપી પરમાર સિનિયર ક્લાર્ક બીલીમોરા વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. ઉપરાંત જે કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ થયો છે તેમાં મેસર્સ સારા એન્ટરપ્રાઈઝ, મેસર્સ જ્યોતિ સ્વીચ બોર્ડ, મેસર્સ ગોયમ એન્ટરપ્રાઈઝ, મેસર્સ સુપર કન્ટ્રક્શન, મેસર્સ અક્ષય ટ્રેડર્સ, મેસર્સ અભિનંદન એન્ટરપ્રાઈઝ, મેસર્સ ધર્મેશ વી પટેલનો સમાવેશ થાય છે.

નવ કરોડના કૌભાંડમાં કોની કોની ધરપકડ થઈ
હાલ જે સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં દલપત પટેલ કે જે હાલ નિવૃત્ત થઈ ચૂક્યા છે, તો જુનાગઢ ખાતે જાહેર આરોગ્ય વર્તુળ અધિક્ષક ઇજનેર કચેરીમાં ફરજ બજાવતા રાકેશ પટેલ, રાજકોટ જાહેર આરોગ્ય વર્તુળ અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવતા અને હાલ ફરજ મોકૂફ થયેલા જગદીશ પરમાર, નવસારી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના અધિક મદદનીશ ઇજનેર કિરણ પટેલ અને વાસદા પેટા કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા રાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર નરેન્દ્ર શાહ, નરેન્દ્ર શાહની પત્ની જ્યોતિ શાહ, મોહમદ અહેમદ નલવાલા, ધર્મેશ પટેલ અને તેજલ શાહનો સમાવેશ થાય છે.

163 બિલોની ચુકવણીમાં થયું કૌભાંડ
મહત્વની વાત છે કે, 163 બિલોની ચકાસણી કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને હજુ 206 જેટલા બિલોની ચકાસણી બાકી છે એટલે કે, 163 જે બિલોનું પેમેન્ટ થઈ ગયું હતું તેમાં આ કૌભાંડ સામે આવ્યું છે. હજુ જે 206 બિલો પેન્ડિંગ છે તેની તપાસ ચાલી રહી છે એટલે આ કૌભાંડનો આંકડો છે તે હજુ મોટો થઈ શકે છે. આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સરકારને જૂનો ચોપડવાનું કામ કરવા માટે આ પ્રકારના રજૂ કરતા હતા.