September 24, 2024

અમદાવાદના નિકોલમાં ગાડી પાર્ક કરવાની બાબતે આધેડની હત્યા, આરોપી ફરાર

મિહિર સોની, અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે આધેડની હત્યાનો બનાવ બન્યો છે. વકીલ પર થયેલા હુમલામાં પિતા વચ્ચે પડતા આરોપીઓએ પિતાને પણ ઢોર માર્યો હતો અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું છે.

નિકોલની કાનબા હોસ્પિટલ પાસે આવેલી આનંદ પોલારિસ સોસાયટીમાં થોડા દિવસ પહેલાં વકીલ હિરેન કંડેરા અને આરોપી વિકી તિવારી વચ્ચે ગાડી પાર્ક કરવા બાબતે તકરાર થઈ હતી. તકરારની અદાવત રાખી વિકી તિવારી અને પિયુષ તિવારી સહિતના શખ્સોએ વકીલ હિરેન કાંડોરાને ફોન કરી નીચે બોલાવ્યા હતા. આઠથી દસ ઈસમો દ્વારા વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે વકીલના પિતા વચ્ચે પડતાં જ પિતા પ્રભાત કડેરાને છાતીના ભાગે મૂઢમાર વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ફરિયાદી હિરેન કંડેરા વ્યવસાયે વકીલ છે અને નવી કાર લાવતા તેઓ ગાડી સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરતા હતા. ફરિયાદીના આક્ષેપ મુજબ તેઓ અવારનવાર તેમને પાર્કિંગ બાબતે ઝઘડો કરતા હતા. યુપીના છીએ તેમ કહી વિકી તિવારી વકીલ હિરેનને ધમકીઓ આપતો હતો. વિકી તિવારી અને તેના પિતા પિયુષ તિવારી દ્વારા રવિવારના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. વિકી તિવારી બી બ્લોકમાં રહે છે અને હિરેન વકીલે બ્લોકમાં બંને વચ્ચે નજીવી તકરારમાં પિતાને મોત મળ્યું છે. હત્યા કર્યા બાદ હત્યા કરનારો તિવારી પરિવાર ફરાર થઈ ગયો છે. હાલ તો પોલીસે હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.