September 25, 2024

વેરાવળની આવાસ યોજનામાં નર્કાગાર જેવી સ્થિતિ, ઉભરાયેલી ગટરોથી રહીશો પરેશાન

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા છે. 400થી વધુ પરિવારો ઉભરાતી ગટરોથી ખદબદતા વિસ્તારમાં રહેવા મજબૂર બન્યા છે. વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

ગીર-સોમનાથના વડામથક વેરાવળ શહેરના ડાભોર રોડ પર આવેલા આવાસ યોજનામાં 400 પરિવાર રહે છે. પરંતુ સુવિધાના નામે મીંડુ હોય તેવું લાગી રહ્યું છે. અહીં ગંદકી ખદબદી રહી છે. આ વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે અહીં નર્કાગાર જેવી પરિસ્થિતિ હોય છે.

આ આવાસ યોજનામાં ઠેર ઠેર ગટરોનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. તો બીજી તરફ સ્ટ્રિટ લાઇટ પણ કામ કરતી નથી. રાતના સમયે મહિલાઓ તો ઠીક પુરુષો પણ અહીંથી પસાર થવામાં ડર અનુભવે છે. વારંવાર આ મામલે પાલિકામાં સ્થાનિક રહીશોએ રજૂઆત કરી છે. તે છતાં આજદિન સુધી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. પાલિકા ટેક્સ વસૂલે છે પણ જ્યારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે હાથ અધ્ધર કરી દે છે.

બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે લૂલો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, અહીં 324 ચેમ્બરની સફાઈમાં છેલ્લા બે વર્ષમાં સાત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાલિકા તંત્રએ તમામ મકાન વેચાણથી આપી દીધા છે, જેથી સફાઈની જવાબદારી તેમની પોતાની છે.