December 23, 2024

બુડાપેસ્ટ ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ વિજેતા વંતિકા અગ્રવાલે PM મોદીને યાદ કર્યા

Chess Gold Medalist: તાજેતરમાં બુડાપેસ્ટ ખાતે યોજાયેલ 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ચેસ ખેલાડીઓએ ગજબનું બુદ્ધિ કૌશલ બતાવ્યું છે. ભારતે આ ટુર્નામેન્ટમાં પુરુષ અને મહિલા બંને વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જી દીધો છે. તો આ ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીતનાર વંતિકા અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર માન્યો છે.

‘ચેસ માત્ર પુરુષોની ગેમ નથી’ આ શબ્દો હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના. વર્ષ 2012માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ ‘ચેસ માત્ર પુરુષોની ગેમ નથી’ એમ કહીને 3500થી વધુ મહિલાઓમાં ચેસની ગેમને લઈને ઉર્જાનો સંચાર કર્યો હતો અને સ્વામી વિવેકાનંદ મહિલા ચેસ મહોત્સવની શરૂઆત કરી હતી.

આ સ્વામી વિવેકાનંદ મહિલા ચેસ મહોત્સવમાં એક 9 વર્ષની બાળકી મુખ્યમંત્રીથી એવી તે પ્રભાવિત થઈ કે તેણે એ કરી બતાવ્યું જે દરેક માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. સ્વામી વિવેકાનંદ મહિલા ચેસ મહોત્સવ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 9 વર્ષની વંતિકા અગ્રવાલને સન્માનિત કર્યા હતા. જેને લઈને તેઓ ખૂબ જ પ્રેરિત થયા.

આજે, વંતિકાએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બુડાપેસ્ટ ખાતે તાજેતરમાં જ 45મી ચેસ ઓલિમ્પિયાડ યોજાઇ ગઈ. જેમાં વંતિકા અગ્રવાલે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. પોતાની આ સિદ્ધિ બાદ તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રેરણા આપવા બદલ આભાર માન્યો હતો.

વંતિકા અગ્રવાલે ચેસની અન્ય કેટલીક કોમ્પિટિશન્સમાં પણ ભાગ લીધો અને દેશનું ગૌરવ વધાર્યું છે. વંતિકાએ મહિલા ગ્રાન્ડમાસ્ટર અને ઇન્ટરનેશનલ માસ્ટર ઓફ ઈન્ડિયા તરીકેના FIDE ટાઇટલ પણ જીત્યા છે.