September 30, 2024

તિરૂપતિ લાડુ મામલે CM નાયડુની SCએ લગાવી ફટકાર, કહ્યું- ભગવાનને રાજકારણથી દૂર રાખો

Delhi: આજે સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ લાડુ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુને ફટકાર લગાવી અને કહ્યું કે જુલાઈમાં આવેલા રિપોર્ટ પર બે મહિના પછી નિવેદન કેમ આપ્યું?

સુબ્રમણ્યમ સ્વામી તરફથી હાજર રહેલા વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, “આવા નિવેદનોની લોકો પર વ્યાપક અસર પડે છે. ખુદ સીએમએ આવું નિવેદન આપ્યું છે ત્યારે રાજ્ય સરકાર પાસેથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા નથી.

‘સુબ્રમણ્યમ સ્વામી TTD સાથે સંકળાયેલા છે’

વકીલે કહ્યું ઘીનો સપ્લાયર કોણ હતો? આવી ઓચિંતી તપાસ માટે કોઈ વ્યવસ્થા છે ખરી? તેમણે કહ્યું કે આ મામલાને કોર્ટ દ્વારા મોનિટર કરવાની જરૂર છે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા મુકુલ રોહતગીએ કહ્યું કે સ્વામી પોતે ટીટીડી ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે? શું તેની અરજી વાજબી કહી શકાય?

મુકુલ રોહતગીએ કહ્યું કે સુબ્રમણ્યમ સ્વામીનો હેતુ સ્પષ્ટ છે. તે રાજ્ય સરકાર પર નિશાન સાધવા માંગે છે. તેના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે સ્વામી કહી રહ્યા છે કે ઘીનો સેમ્પલ લેવામાં આવ્યો હતો જેનો TTD ટ્રસ્ટે ઉપયોગ કર્યો ન હતો. આ સાથે જસ્ટિસ બી.આર.ગવઈએ કહ્યું કે જ્યારે તપાસ ચાલી રહી છે તો અધવચ્ચે આવું નિવેદન કેમ આપ્યું. મુખ્યમંત્રી પદ બંધારણીય પદ છે.

રિપોર્ટ આવ્યાના બે મહિના પછી નિવેદન કેમ આપ્યું’ – સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે જુલાઈમાં આવેલા રિપોર્ટ પર નિવેદન 2 મહિના પછી આપવામાં આવ્યું હતું. જ્યારે તમને ખાતરી ન હતી કે કયા ઘીનું સેમ્પલ લેવામાં આવ્યું છે તો તમે નિવેદન કેમ આપ્યું? રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે કર્ણાટકની સહકારી સંસ્થા ‘નંદિની’ પાસેથી 50 વર્ષથી ઘી લેવામાં આવી રહ્યું છે. અગાઉની સરકારે તેમાં ફેરફાર કર્યો હતો.

આ પણ વાંચો: તમામ સામે કડક કાર્યવાહીની સૂચના, ચાણક્યપુરીની ઘટના બાદ પોલીસ એકશન મોડમાં…

તેના પર જસ્ટિસ ગવઈએ વકીલને પૂછ્યું કે તથ્યોની પૂરેપૂરી પુષ્ટિ કર્યા વિના નિવેદન આપવાની જરૂર કેમ પડી? તેના પર રાજ્ય સરકારના વકીલે કહ્યું કે જુલાઈમાં ઘી ક્યારે આવ્યું અને ક્યા સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભગવાનને રાજનીતિથી દૂર રાખવા જોઈએ.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે તમે 26 સપ્ટેમ્બરે SITની રચના કરી. પરંતુ તે પહેલા જ નિવેદન આપી દીધું. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે તમે કહી શક્યા હોત કે અગાઉની સરકારમાં ઘીનું ટેન્ડર ખોટી રીતે ફાળવવામાં આવ્યું હતું. પ્રસાદ પર સીધા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.