September 30, 2024

રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, “ભગવાન પીએમને માત્ર અદાણીને મદદ કરવા કઈ રીતે કહે છે?”

Haryana Assembly Election 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે અંબાલામાં એક રેલીને સંબોધિત કરી હતી. હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદની અટકળો વચ્ચે તેમણે મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. તેઓ સ્ટેજ પર આગળ આવ્યા અને રેલીમાં તેમના હાથ પકડીને ભૂપિન્દર સિંહ હુડ્ડા અને કુમારી સેલજાનો અંગત રીતે પરિચય કરાવ્યો. એક રીતે તેમણે જૂથવાદની અટકળોનો અંત લાવવાનો પ્રયાસ કર્યો.

અંબાલા ખાતે આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતાં વડાપ્રધાન મોદી પર તીક્ષ્ણ પ્રહારો કર્યા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “PM મોદીએ પોતે કહ્યું હતું કે તેઓ નોન-બાયોલોજિકલ છે અને ભગવાન સાથે સીધો સંબંધ ધરાવે છે. તેઓ કહે છે કે ભગવાન તેમને જે કરવાનું કહે છે, તેઓ તે જ કરે છે. સમજાતું નથી કે ભગવાન તેમને માત્ર અદાણીને જ મદદ કરવા માટે કેવી રીતે કહે છે. નરેન્દ્ર મોદી જે કંઈ પણ કરી રહ્યા છે તે માત્ર અમીર લોકો માટે જ છે.

વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે હરિયાણામાં કોંગ્રેસ સત્તા પર આવશે, ત્યારે સૌથી પહેલું કામ અમે એ કરીશું કે, અમે સૌથી પહેલા ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) આપીશું. અમે દરેક ગરીબ મહિલાને 2000 રૂપિયા આપીશું. અમે હરિયાણા સરકારમાં બે લાખ યુવાનોને નોકરી આપવાનું કામ કરીશું અને આ નોકરીઓ સમાજના દરેક જાતિ અને વર્ગને સમાન રીતે આપવામાં આવશે. અમે રાજ્યમાં જાતિ ગણતરી પણ કરીશું.”