January 2, 2025

ડાયમંડ બુર્સને ધમધમતું કરવા નવો ઉપાય, 400 વેપારીઓ બેસે તેવો હોલ બનાવશે

અમિત રુપાપરા, સુરતઃ શહેરનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. તેવામાં ડાયમંડ બુર્સને ધમધમતું કરવામાં અનેક પડકારો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ સુરતના ડાયમંડ ઉદ્યોગને લેબગ્રોન ડાયમંડ ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે. હવે આ લેબગ્રોન ડાયમંડ ડાયમંડ બુર્સને ધમધમતું કરવામાં પણ મહત્વનો ફાળો આપી શકે છે. ડાયમંડ બુર્સમાં લેબગ્રોન ડાયમંડ સાથે જોડાયેલા વેપારીઓની ઓફિસ શરૂ થાય તે પ્રયાસો સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યા છે અને આ બાબતે લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન સાથે ડાયમંડ બુર્સમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

બીજી તરફ હીરાના નાના વેપારી ડાયમંડ બુર્સમાં વેપાર ધંધો કરી શકે એટલા માટે નાની નાની 40થી 50 જેટલી ઓફિસો અને એક સાથે વેપારીઓ એક જ જગ્યા પર બેસી શકે તે માટે 400થી 500 વેપારીઓ બેસે તેવી કેપેસિટી ધરાવતા હોલનું આયોજન પણ ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવશે.

સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ડાયમંડ સિટીની ચમક ડાયમંડ ઉદ્યોગમાં પ્રવર્તેલી મંદીના કારણે ઝાંખી પડી છે. તો બીજી તરફ સુરત ડાયમંડ બુર્સમાં પણ વધારેમાં વધારે ઓફિસ શરૂ થાય તે પ્રકારની કામગીરી સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. કમિટીના અઢળક પ્રયાસો છતાં પણ જેટલું પરિણામ કમિટીએ વિચાર્યું હોય તે પ્રકારનું પરિણામ ડાયમંડ બુર્સને ધમધમતું કરવામાં મળી રહ્યું નથી.

સુરત ડાયમંડ બુર્સમાં 3000 કરતાં વધારે ઓફિસ છે અને તેમાં પણ 250 જેટલી ઓફિસ હજુ સુધી શરૂ થઈ છે. ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે હવે કમિટી દ્વારા લેબગ્રોન ડાયમંડ ટ્રેડર્સની પણ મદદ લેવાઈ રહી છે. રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડ ટ્રેડર્સની 40 જેટલી ઓફિસ દશેરા સુધીમાં શરૂ કરવા માટે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન સાથે પણ એક બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં ડાયમંડ બુર્સમાં લેબગ્રોન ડાયમંડ ટ્રેડર્સની ઓફિસ શરૂ કરવા બાબતે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

મહત્વની વાત છે કે, ડાયમંડ બુર્સની અંદર મોટાભાગની ઓફિસ 300 સ્ક્વેર ફૂટની છે. ત્યારે હવે હીરાના નાના વેપારી પણ સુરત ડાયમંડ બુર્સમાં પોતાનો વેપાર શરૂ કરી શકે એટલા માટે ડાયમંડ બુર્સની કમિટી દ્વારા 50 સ્ક્વેર ફૂટની 50થી 60 જેટલી ઓફિસો પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેથી કરીને નાના વેપારી પણ આ ડાયમંડ બુર્સમાં વેપાર ચાલુ કરી શકે અને વહેલી તકે ડાયમંડ બુર્સને ધમધમતું કરી શકાય.

તો બીજી તરફ હીરા બજારમાં જે પ્રકારે ઓટલામાં અને ઓફિસમાં એક સાથે હીરાના વેપારી વેપાર કરે છે તે જ પ્રકારનો માહોલ ડાયમંડ બુર્સની અંદર મળી શકે એટલા માટે એક સાથે 400થી 500 જેટલા લોકો એક જ જગ્યા પર અને એક જ હોલમાં વેપાર કરી શકે તેવા હેતુથી આ પ્રકારની સુવિધા પણ ડાયમંડ બુર્સમાં ઊભી કરવામાં આવશે. આગામી દિવસોમાં મહીધરપુરાના હીરા વેપારીઓ સાથે પણ ડાયમંડ બુર્સની કમિટી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીધરપુરાના મોટાભાગના હીરા વેપારીઓએ પણ સુરત ડાયમંડ બુર્સની અંદર ઓફિસ શરૂ કરવા બાબતે પોઝિટિવ રિસ્પોન્સ પણ આપ્યો છે.