January 2, 2025

પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતા ‘નકલી પોલીસ’ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી એક લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો. તો બીજી તરફ આરોપી અગાઉ 13 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું.

પોલીસની ઓળખ આપી અમદાવાદના એક યુવકને ડરાવી રૂપિયા પડાવતા બે આરોપી ઇમરાન પઠાણ અને ભરત કોસ્ટીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ બે દિવસ અગાઉ શહેરના સોલા વિસ્તારમાં 33 વર્ષીય ફરિયાદી રમેશ ડાંગરને ગાંજા અને દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવી 36 હજાર રૂપિયા પડાવ્યા હતા. જો કે ફરિયાદી સમય સૂચકતા વાપરી ટ્રાફિક પોલીસની મદદ લેતા તેનો છુટકારો થયો હતો. જે બાદ સોલા પોલીસ મથકે નકલી પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

પોલીસ બની રૂપિયા પડાવવાના ગુનામાં તપાસ કરતા હકીકત સામે આવી, કે પકડાયેલ આરોપી ઇમરાન પઠાણ વિરુદ્ધ 13 જેટલા ગુના નોંધાયા છે. જે તમામ ગુનાઓમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. સાથે જ ફરિયાદીની પૂછપરછમાં સામે આવ્યું કે 36,000 લીધા બાદ પણ આરોપી ફરિયાદીને એટીએમ અને પેટ્રોલ પંપ પર લઈ ગયો હતો. જ્યાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી રોકડ રૂપિયા લેવા માટે દબાણ કર્યું હતું. જોકે ફરિયાદીને ટ્રાફિક પોલીસ નજરે ચડતા આરોપીઓને ચકમો આપી ફરાર થયો હતો.

આરોપી ઇમરાન બેરોજગાર હોવાથી ઝડપથી રૂપિયા કમાવવા માટે આ પ્રકારે પોલીસના નામે અથવા નકલી અધિકારી બની રૂપિયા પડાવે છે. તો અન્ય આરોપી ભરત ઇમરાનની સાથે બહાર નીકળ્યો હતો. અને ઇમરાને આ પ્રકારે કૃત્ય કર્યું હોવાનું સામે આવી છે. ત્યારે તાજેતરમાં સોલા સિવાય આરોપીઓએ અન્ય કોઈ ગુના ને અંજામ આપ્યો છે. કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.