January 3, 2025

ભારતીય મહિલા જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની કરી જાહેરાત

Dipa Karmakar Retirement: ઓલિમ્પિક 2024નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક સમાપ્ત થયાના લગભગ બે મહિના પછી, એક ભારતીય સ્ટાર એથ્લેટ અને ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની પ્રથમ મહિલા જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ વાતનો ખુલાસો તેણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા કર્યો છે. દીપા કર્માકરે ભારત માટે ઘણી મોટી ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા છે. તેણે ઓલિમ્પિક 2016માં ભાગ લીધો હતો. જેમાં તેમનું પર્ફોર્મન્સ ખૂબ જ સારુ હતું. જોકે તે મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. તેણી ચોથા ક્રમે રહી હતી.

નિવૃત્તિની જાહેરાત કરતી વખતે આ લખ્યું હતું
નિવૃત્તિની ઘોષણા કરતા દીપાએ લખ્યું કે ખૂબ વિચાર કર્યા બાદ મેં જિમ્નાસ્ટિક્સમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મારા માટે સરળ ન હતો, પરંતુ હવે મને લાગે છે કે આ યોગ્ય સમય છે. જિમ્નેસ્ટિક્સ મારા જીવનનો એક વિશાળ ભાગ રહ્યો છે અને હું દરેક ક્ષણ, ઉતાર-ચઢાવ અને વચ્ચેની દરેક વસ્તુ માટે આભારી છું. મને પાંચ વર્ષની દીપા યાદ છે, જેને કહેવામાં આવ્યું હતું કે તેના સપાટ પગને કારણે તે ક્યારેય જિમ્નાસ્ટ બની શકતી નથી. આજે, હું મારી સિદ્ધિઓ જોઈને ખૂબ જ ગર્વ અનુભવું છું. વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું, મેડલ જીતવું અને સૌથી અગત્યનું, રિયો ઓલિમ્પિકમાં પ્રોડુનોવા વોલ્ટનું પ્રદર્શન મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણો રહી છે. આજે એ નાનકડી દીપાને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે તેનામાં સ્વપ્ન જોવાની હિંમત હતી.

તેણે તાજેતરમાં તાશ્કંદમાં એશિયન મહિલા જિમ્નેસ્ટિક્સમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના પર તેણે લખ્યું કે તાશ્કંદમાં એશિયન જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપમાં મારી છેલ્લી જીત એક વળાંક હતો કારણ કે ત્યાં સુધી મને લાગ્યું કે હું મારા શરીરને આગળ ધપાવી શકીશ, પરંતુ ક્યારેક આપણું શરીર આપણને આરામ કરવાનું કહે છે, ભલે હૃદય સહમત ન હોય.

દીપા કોચિંગમાં પોતાનો હાથ અજમાવી શકે છે
આ સિવાય તેણે પોતાના કોચનો પણ આભાર માન્યો હતો. પોતાના કોચ વિશે લખતાં દીપાએ લખ્યું, હું મારા કોચ, વિશ્વેશ્વર નંદી સર અને સોમા મેડમનો આભાર માનું છું, જેમણે મને છેલ્લા 25 વર્ષથી માર્ગદર્શન આપ્યું અને મારી સૌથી મોટી તાકાત બનવામાં મદદ કરી. ત્રિપુરા સરકાર, જિમ્નેસ્ટિક્સ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને મેરાકી સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ અને છેલ્લે, મારા સારા અને ખરાબમાં હંમેશા મારી સાથે રહેનાર મારા પરિવાર તરફથી મને મળેલા સમર્થન માટે પણ હું ખૂબ જ આભારી છું. તેણીએ આગળ લખ્યું કે ભલે હું નિવૃત્ત થઈ રહી છું, પરંતુ જિમ્નેસ્ટિક્સ સાથે મારું જોડાણ ક્યારેય તૂટશે નહીં.